પ્રતિષ્ઠાની લાલસા, સ્પર્ધાની દોડ અને પરિગ્રહની પ્રાપ્તિ એટલે પ્રભુભક્તિની વિદાય

કથા કહે છે કે શ્રી ભક્તામર સ્તોત્રની પ્રત્યેક ગાથાની સાથોસાથ શ્રી માનતુંગાચાર્યને લગાડેલાં તાળાંઓનું બંધન આપોઆપ તૂટતું ગયું. તીર્થકર પ્રત્યેની અગાધ ભક્તિનો આ એક સાહજિક આવિર્ભાવ છે. સામાન્ય માનવી એને આશ્ચર્ય કે ચમત્કારરૂપે જુએ, પરંતુ વાસ્તવમાં પ્રભુ પ્રત્યેના તીવ્ર તલસાટ અને ઉત્કૃષ્ટ ભક્તિનું આ સાહજિક પરિણામ છે. શ્રી ભક્તામર સ્તોત્રની એક-એક ગાથા સાથે તાળાંઓનું બંધન તૂટે છે. એ અર્થમાં કહીએ તો એની પ્રત્યેક ગાથાની સાથોસાથ સાધકનાં કર્મબંધનરૂપી તાળાંઓ પણ તૂટતાં જશે એવી શ્રદ્ધા સર્જાય છે.

નમ્રતા, સરળતા અને સમર્પણશીલતા એ ત્રણ ભાવોનો સંગ થાય, ત્યારે ભક્તિનો ત્રિવેણીસંગમ રચાય છે. શ્રી ભક્તામર સ્તોત્રના આ ત્રીજા શ્લોકમાં ભક્તિના ત્રિવેણીસંગમની રહસ્યગર્ભિત વાત કરી છે. આચાર્ય શ્રી માનતુંગસૂરીજી કહે છે.

બુદ્ધયા વિનાડપિ વિબુધાર્ચિત પાદપીઠ
સ્તોતું સમુદ્યતમતિર્વિગત ત્રપોડહમ્ ।।
બાલં વિહાય જલસંસ્થિતમિન્દુ બિમ્બંમન્ય :
ક ઇચ્છતિ જન: સહસા ગ્રહીતુમ્ ।।૩।।

આનો અર્થ છે- દેવો જેની પાદપીઠની પૂજા કરે છે એવા જિનેશ્વરદેવ, તમારી સ્તુતિ કરવા યોગ્ય મારી બુદ્ધિ નહીં હોવા છતાં હું મર્યાદાનું ભાન ભૂલીને તમારી સ્તુતિ કરવા તત્પર બન્યો છું. પાણીમાં પડેલું ચંદ્રનું પ્રતિબિંબ વગર વિચારે પકડવાની ઇચ્છા બાળક સિવાય બીજું કોણ કરે ?

આ શ્લોકમાં ભક્તની નમ્રતા પ્રગટ થાય છે. જિનેશ્વર દેવના પગ રાખવાના આસનની દેવો પૂજા કરે છે. કોઈ એક દેવ નહીં, પરંતુ આ રીતે અનેક દેવો પૂજા કરે છે. એનો અર્થ એ કે બધા દેવો સાથે મળીને જેમની પાદપીઠની અતિ ભક્તિપૂર્ણ પૂજા કરે છે, તેવા જિનેશ્વરદેવના ગુણોની સ્તુતિ કરવી એ મારી શક્તિ બહારની વાત છે, કારણકે જિનેશ્વર દેવ તો ત્રણે કાળના જ્ઞાતા છે. એવા મહાન જિનેશ્વર દેવ ક્યાં અને મારા જેવો સાવ મતિહીન ક્યાં ? દેવોના બુદ્ધિસામર્થ્ય જેવું કોઈ બુદ્ધિસામર્થ્ય પોતાની પાસે નથી.
આમ જિનેશ્વર દેવ અને પોતાની વચ્ચેના અમાપ અંતરને બતાવવા માટે કવિ બે વખત ‘ક્યાં’ શબ્દનો પ્રયોગ કરે છે અને એ રીતે પ્રભુની મહાનતા અને પોતાની અલ્પતાના અંતરને ઉજાગર કરી આપે છે. આવી સ્થિતિ હોવા છતાં પોતે ભક્તિ કરવા ઉદ્યુક્ત થયા છે, તેનું કારણ શું ?

જેમની દેવો ભક્તિ કરે છે, એ દેવો જેવા પોતે છે એમ દર્શાવવા માટે એ ભક્તિ કરવા માગતા નથી, કારણકે દેવો કરતાં પણ પોતે કેટલા અલ્પબુદ્ધિવાળા છે એનો ભક્ત તરીકે એમને ખ્યાલ છે, એટલે કે આ ભક્તિ પાછળ કોઈ પ્રતિષ્ઠા, સ્પર્ધા કે કોઈ પ્રાપ્તિ નથી. ભક્તિ પાછળ પ્રતિષ્ઠાપ્રાપ્તિનો આશય હોય, ત્યારે એ ભક્તિ પ્રભુસ્તુતિ ન રહેતાં આત્મસ્તુતિ બની જાય છે અને ઇશ્વર આરાધનાને બદલે અહંકાર-સાધના બને છે. વળી ભક્તિ કરીને ભક્તનો હેતુ દેવો સાથે સ્પર્ધા કરવાનો નથી, કારણકે ભક્તિમાં માત્ર ભક્ત એકલો હોય છે, ભક્તની સાથે બીજા ભક્તોની તુલના હોતી નથી. તુલના એ દ્વેષ અને અહમ્ જગાવનારી છે, એટલે આવો કોઈ દ્વેષ જાગે એટલે ભક્ત ઇશ્વરને બદલે પ્રતિસ્પર્ધીને જોવા લાગે છે અને એની ભક્તિ એ સાહજિક ભક્તિ ન રહેતા તુલનાત્મક ભક્તિ બની જાય છે.

હકીકતમાં આજે ચોમેર આવી રીતે ભક્તિની આરાધના થતી જોવા મળે છે. ઘણા લોકો એવી તુલના કરે છે કે એમણે આટલા ઉપવાસ કર્યા અને મેં આટલા ઉપવાસ કર્યા ! એમણે આટલી વખત ચાર ધામની યાત્રા કરી અને મેં એનાથી આટલી વાર વધુ યાત્રા કરી ! ભક્તિ એ ગણના અને ગણતરીથી મુક્ત હોય છે અને એટલે અહીં એવી સાહજિક ભક્તિની વાત છે કે જ્યાં કોઈ સ્પર્ધા નથી. ત્રીજી વાત એ કે આ ભક્તિમાં કોઈ પ્રાપ્તિ કે પ્રયોજન નથી. પ્રાપ્તિ કે પ્રયોજનથી થતી ભક્તિ એ હેતુ ધરાવતી હોય છે. એવી ભક્તિમાં જે ધ્યેય હોય છે તે પ્રાપ્ત કરવાનો જ આશય હોય છે અને પરિણામે ભક્તિની તન્મયતાને બદલે ભક્તિનું પ્રયોજન સાધકના ચિત્તમાં તરવરતું રહે છે. આચાર્ય મેરુતુંગસૂરિની ભક્તિ પાછળ આવી પ્રતિષ્ઠા, સ્પર્ધા કે પ્રાપ્તિની કોઈ ઇચ્છા નથી, પરંતુ હૃદયની તીવ્ર ભાવના છે અને એ ભાવનાને કારણે જ તેઓ ભક્તિ કરી રહ્યા છે.
તેઓ પોતાની મર્યાદા યથાર્થપણે જાણે છે, તેમ છતાં જિનેશ્વરની સ્તુતિ કર્યા વિના રહી શક્તા નથી. અહીં ભક્તિની ઉત્કૃષ્ટ અવસ્થાનો આવિર્ભાવ છે. જ્યાં ભક્તના હૃદયમાંથી આપોઆપ ભક્તિનું ઝરણું ફૂટતું હોય છે. એને અટકાવવા છતાંય એ અટકી શક્તું નથી અને તેથી જ સૂરિજી કહે છે કે આપની સ્તુતિ રચ્યા સિવાય રહી શક્તો નથી, માટે આ રચના કરું છું.

અહીં ભક્તહૃદયની તીવ્રતા પ્રગટ થાય છે. પોતાનો આ પ્રયત્ન કેવો છે ? એ વિશે એક ઉદાહરણ આપીને તેઓ સમજાવે છે કે કોઈ બાળક પાણીમાં પડતાં શીતલ ચંદ્રના પ્રતિબિંબને જોઈને એને મેળવવાની હઠ લે તેવો છે. અહીં બાળકના હઠની જેવી પોતાની સ્તુતિ કરવાની ઇચ્છા દર્શાવી છે. બાળક હઠ લે ત્યારે પોતાની મર્યાદાનો વિચાર કરતું નથી. પોતાને માટે આ શક્ય છે કે અશક્ય, એવી કોઈ બાબતનો ખ્યાલ કરતું નથી. આચાર્યશ્રી કહે છે કે આવા પ્રભુની સ્તુતિ કરવાની પોતાની ક્ષમતા કેટલી છે એની મર્યાદા જાણતા હોવા છતાં એમણે તો સ્તુતિ કરવાની બાળહઠ લીધી છે.
આ ઉપમાનો એક બીજો પણ અર્થ છે અને તે એ છે કે બાળક એ સરળતા અને સમર્પણશીલતાનું પ્રતીક છે. બાળકની સરળતા બેનમૂન ગણાય છે, આથી તો સ્વામી રામદાસે કહ્યું છે કે ‘માણસ જેમ જેમ મોટો થતો જાય છે, તેમ તેમ એને માથે શિંગડા ઊગતા જાય છે.’ એ સરળતાને સ્થાને ધીરે ધીરે કુટિલતા પગપેસારો કરે છે, આથી અહીં બાળક દ્વારા સરળતાનો ભાવ દર્શાવવા ઉપરાંત બાળકની સમર્પણશીલતાનો સંકેત છે. એ સમર્પણ કરવાનું જાણે છે અર્થાત્ શ્રી માનતુંગસૂરિજી કહે છે કે તેઓ કોઈ મોટી વયના બુદ્ધિચાતુર્ય ધરાવતા માનવીની માફક યોગ્યતા કે મર્યાદાઓના ખ્યાલથી બંધાયેલા નથી અને તેથી પ્રભુસ્તુતિ કરતી વખતે આવા તર્કજાળમાં ફસાતા નથી. પરિણામે પોતાના કાર્યને પાણીમાં દૃષ્ટિગોચર થતાં ચંદ્રના પ્રતિબિંબને પકડવા હાથ લંબાવતા બાળક જેવું ગાંડુ-ઘેલું કાર્ય ગણે છે. વ્યક્તિ જ્યાં સુધી વ્યવહારુ અને ગણતરીબાજ હોય, ત્યાં સુધી ભક્તિ પ્રગટતી નથી. પાગલ થયા વિના એ ભક્ત થઈ શક્તી નથી અને એ રીતે પોતાના સ્તુતિ કરવાના આ કાર્યને નિર્દોષ બાળકની અણસમજભરી બાળચેષ્ટા ગણીને નિભાવી લેવા માટે વિનંતી કરે છે. ઇન્દ્રો પણ જેની સ્તુતિ કરવા અસમર્થ છે એની સ્તુતિ કરવાનો એમનો પ્રબળ આવેગ અને દૃઢ નિશ્ચય આ રીતે પ્રગટ થાય છે. આચાર્ય માનતુંગસૂરિ જેવા મહાસમર્થ વિદ્વાન સ્તુતિના પ્રારંભે આવું કહે ત્યારે એમની નમ્રતાનું કેવું અનુપમ દર્શન થાય છે !

5 નવેમ્બર, 2026 (આકાશની ઓળખ)

કુમારપાળ દેસાઈ

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑