સીતા માતા ! મને મોતી ન આપશો, ચણા આપજો, ધરતીનો પ્રાણ એમાં છે…

એને માટે તો રાજાનો મુગટ એ રમવાનું રમકડું અને વિશ્વની સઘળી સંપત્તિ એ ધૂળ-માટી છે  

આજે રામનવમીનું પાવન પર્વ અને આ પર્વ પ્રસંગે સ્મરણ થાય છે દેહ અને આત્માની પ્રીતિ જેવો સ્નેહ ધરાવનાર રામ અને હનુમાનનું. 

અને એ ઘડી હતી અયોધ્યામાં લંકાવિજયના મહોત્સવની. ચૌદ વર્ષના વનવાસ પછી અયોધ્યામાં પ્રભુ રામના વિજયનો મહોત્સવ રચાયો હતો. હવામાં આહ્લાદ હતો! દિશામાં ગીત હતું! પ્રકાશમાં થનગનાટ હતો! અન્યાય હણાયો હતો. ન્યાયની સ્થાપના થઈ હતી! 

અયોધ્યાાના દરબારમાં આજ કોઈ ઊણું-અધૂરું રહેવાનું નહોતું. લક્ષ્મણને રામે પોતાની સાથે ઊંચું સ્થાન આપ્યું. ભરત-શત્રુઘ્નને માનપાન આપ્યાં. અંગદ, સુગ્રીવ, નલ, નીલ, ઋક્ષ સહુને રાજા રામચંદ્રે પ્રેમથી અને ભેટથી નવાજ્યા! કોઈના મુખ પર અધૂરાશ કે અપ્રસન્નતા દેખાઈ નહીં. મુશળધાર વર્ષામાં કોણ ભીંજાયા વગર રહે? માત્ર દેવી સીતાના મુખ પર પ્રસન્નતાની રેખાઓ વચ્ચે એક અપ્રસન્નતાની રેખા તરી આવી.

સીતાએ કહ્યું, ‘ઓહ! વિજય શું તમને વિસ્મૃતિ આપી ગયો? કદી ન ભુલાય તેવી વ્યક્તિઓની યાદ પણ ચાલી ગઈ? તમે જ કહેતા હતા કે એ માણસ અસાધારણ વિદ્વાન, અજબ વૈયાકરણી, ભાષાવિવેકી, અર્થમાં સરળ અને સહેલાઈથી ઋષિઓમાં સ્થાન મેળવે તેવો છે. પણ જેવો દેશ તેવો વેશ, જેવો ધર્મ તેવો મર્મ! વિદ્વત્વ છોડી વીરત્વના સાજ એવા સજ્યા કે કોઈ એમ ન કહે કે એ માણસ વિદ્યાવંત હશે! મહારાજ, હું પૂછું છું કે જે સુવર્ણ તમે સહુને વહેંચ્યું, એ સુવર્ણની ખાણસમી લંકાની શોધ કરનાર કોણ?’સીતાજી પ્રશ્ન કરી રહ્યાં. 

‘ઊભા રહો દેવી! હું તમને પૂછું છું કે એ સુવર્ણ કરતાં રામના આત્મ-સુવર્ણસમા સીતાજીની શોધ કરનાર કોણ?’શ્રીરામે કહ્યું. 

‘હું પૂછું છું તે કોણ?’ સીતાજીએ સામે પ્રશ્ન કર્યો. 

‘હું પૂછું છું કે કોણ?’ શ્રીરામે ફરી સામે પ્રશ્ન કર્યો. 

સીતાજી રોષમાં રાતાંચોળ બની ગયાં. સભામાં આ દેવદંપતીના પરસ્પરના રોષમાં રહેલી મીઠાશ માણી રહી. 

‘ગરજ હતી, ત્યારે તો ગળગળા થઈને એની પાસે આજીજી કરતા હતા કે હે, વાનરરાજ! સીતાને શોધી લાવો, નહીં તો હું પ્રાણ ધારણ કરી શકીશ નહિ, ને આજ સીતા સાંપડી ગઈ એટલે તું કોણ અને હું કોણ? હે તું રાઘવેન્દ્ર, શું આજ હર્ષના આ ટાણે પવનપુત્ર હનુમાન તમને યાદ આવતા નથી!’

‘દેવ! દેહ અને આત્માની પ્રીતિ છે રામ ને હનુમાન વચ્ચે! કોણ કોને વીસરી શકે, ને કોણ કોને યાદ કરે?’ શ્રીરામે કહ્યું, પણ ત્યાં તો પંખો બંધ થઈ ગયો. હનુમાનજીએ કાનમાં આંગળીઓ નાખી દીધી હતી! 

‘પ્રીતિ છે એમ કહેવાથી શું વળ્યું? સહુથી મોટામાં મોટી ભેટના અધિકારીને કાંઈ જ આપ્યું નહિ!’

‘દેવી! ખોટું નહિ બોલું. હનુમાનજીને ઇનામ આપવાનો વિચાર આવ્યો, ત્યારે હું કેવો અકિંચન છું તેનું મને ભાન થયું. લંકા અને અયોધ્યા – બંનેના ખજાના એને આપવાની ભેટ તરીકે મને તુચ્છ લાગ્યા! દેવી, સાચું કહું છું : હનુમાનજીને આપવા યોગ્ય મારી પાસે કંઈ નથી! સ્વામીથી સવાયો શ્રીમંત છે સેવક! એણે સદાકાળ આપ્યું છે, મેં બસ લીધું જ છે! આજ એને શું આપું?’

સીતા કહે : ‘લક્ષ્મણજી, શું તમને યાદ નથી? ઇંદ્રજિતે તમને છાતીમાં સાંગ મારી, અને તમારા જીવનની કોઈ આશા ન રહી, ત્યારે સંજીવની-રોપ લાવવા માટે આખો પહાડ ઉપાડીને કોણ લાવ્યું હતું? શું તમારા જીવનદાતાને એ સેવક ભાવવાળો છે, સેવક પદધારી છે, માટે અત્યારે સ્મરતા પણ નથી?’

‘પૂજનીય ભાભી! આ લક્ષ્મણ પોતાના પ્રાણ પાથરે તોય અલ્પ છે! મારું પદ એને આપું?’

‘આપો, લક્ષ્મણજી! તમારું પદ એને આપો. જેણે પદની કદી દરકાર કરી નથી, વિપદને વિપદ તરીકે ને સંપદને સંપદ તરીકે સ્વીકારી નથી. એ પદમાં લોભાઈને માગે તો હું અયોધ્યા આપવા તૈયાર છું!’ શ્રીરામે કહ્યું. 

‘સારું! ભરતજી, તમે કેમ ચૂપ છો?’ સીતાજીએ એક પછી એકની ખબર લેવા માંડી હતી. 

‘મહાદેવી! ચૂપ નથી. શું બોલું એની વિમાસણમાં છું. મોટાભાઈને ચૌદ વર્ષ પૂરાં થતાં હતાં. પ્રતિજ્ઞાા મુજબ અગ્નિ સળગાવી હું બળી મરવા તૈયાર થયો હતો. એ વખતે હનુમાનજી દૂત તરીકે આવ્યા. એણે મને આશ્વાસન આપ્યું ને રામસંદેશો આપ્યો. મને તો થયું કે મારા મોટાભાઈને કંઈ થયું, તો હવે હું જીવી નહિ શકું. પણ હનુમાનજીની સત્યપ્રતિષ્ઠા હું જાણતો હતો. એ સંદેશ સાચો માન્યો, ને આજ હું ધર્મમૂર્તિ, રાષ્ટ્રમૂર્તિ રાઘવેન્દ્રનાં દર્શન પામ્યો, પણ હનુમાનજીને ભેટ આપવા મેં વિચાર કર્યો ત્યારે મને મારું ભિખારીપણું ભાસ્યું. એ એવો સેનાપતિ છે કે જેને માટે રાજાનો મુગટ એ ૨મવાનું રમકડું છે, ને વિશ્વની સંપત્તિ ધૂળમાટી છે.’ ભરતજીએ પોતાની સુદીર્ઘ જટા છોડીને ફરી બાંધતાં કહ્યું. 

‘સરસ આવડે છે, વાતોનાં વડાં પીરસતાં! ખરા કાબેલ છો તમે. સામા માણસને બાવો બનાવવો હોય તો તમારી આ ઉક્તિઓ અજબ કામ કરે એવી છે. એમ મલોખાં મીઠાં કરો એથી કંઈ ન વળે. હનુમાનજી! લો આ મારો નવસેરો મોતીનો હાર!’ સીતાજીએ પોતાની શુભ્ર ગ્રીવામાંથી હાર કાઢીને હનુમાનજી સામે ધર્યો. 

હનુમાનજી તો હજુ એમ ને એમ ઊભા હતા. એમણે પોતાનાં વખાણ સાંભળ્યાં નહોતાં. 

‘રે! લંકાનો ગઢ કૂદી શકનારથી આગળ ડગલું કેમ દેવાતું નથી?’ સીતાજી ઉત્સાહમાં બોલ્યાં. શ્રીરામે ઈશારો કર્યો. હનુમાનજી આગળ વધ્યા. સીતાજીએ હાથ લાંબો કરીને હાર આપ્યો. હાર લઈને હનુમાનજી ઊભા રહ્યા, કંઈક મૂંઝવણમાં હોય અને બોલી શકતા ન હોય, તેવા ભાવ તેમના મુખ પર હતા. 

‘એક ગર્જનાથી મહાસાગરને ખળભળાવી દેનાર મહારથી અત્યારે મૌન કેમ છે?’ સીતાજી ફરી બોલ્યાં. 

હનુમાનજી હાર લઈને એક એક મોતીને ગણી રહ્યા, જોઈ રહ્યા. ‘મહારાજ! ગળથૂથીનો ગુણ ન જાય. હનુમાનજી આખરે તો વાનરવંશના ને! મોતી અને ચણા એમને મન સરખાં!’ એક ક્ષત્રિયે કહ્યું. 

‘ચણા મારે મન કીમતી. સીતામાતા ધરતીમાની મૂર્તિ છે. એમની પાસેથી મોતી નહિ, હું ચણાની આશા રાખું છું,’ હનુમાનજી શાંત સ્વરે બોલ્યા. અવાજમાં એટલી મીઠાશ હતી કે કોઈ ન જાણી શકે કે આ એ વીરનર લંકાવિજયી હનુમાન હશે કે જેમના નામથી લંકામાં તો ભલભલાનાં ગાત્ર ગળી જતાં હતાં. 

‘હનુમાનજી, મોતી છે, તો ચણા અનેક છે.’ સીતાજી પોતાની કદરદાનીનો ઓછો આંક આંકનાર હનુમાન પર નારાજ થઈને બોલ્યાં. 

‘ના, માતાજી! મોતી એ મોતી છે, ચણા એ ચણા છે. ગમે તેવું નકલંક મોતી કદી ચણાનું સ્થાન લઈ શકે નહિ, જેમ ગમે તેવી સુંદર અને શીલવંતી સ્ત્રી મારા માતા સીતાનું સ્થાન લઈ શકે નહિ તેમ.’ હનુમાન બોલ્યા. અવાજમાં કે મુખ પર ખુશામતનો જરાય ભાવ નહોતો, અનાદર કે અવિવેકનો અંશ નહોતો. જવાબમાં કવિત્વ હતું, ને એનાથીય વધુ તત્ત્વચિંતન હતું. 

‘આ એક એક મોતી કીમતી છે.’ સીતાજીએ કહ્યું. 

‘મા! સાચો સ્વામી સેવકને તૃષ્ણાથી તારે. સૂરજનું કામ દિશાઓને દિવસે અજવાળવાનું! એ પોતાના અસ્તકાળે પણ લોકોને પ્રાર્થના નથી કરતો કે મને બદલો આપો, રાતે હું પ્રકાશી શકું એવો પ્રયત્ન કરો. હું રામમય છું. ઘણામાં રામ છે. મોતીમાં રામ નથી.’

ને હનુમાનજીનું અસલ વાનરરૂપ પ્રકાશ્યું, મોતીને દાંતથી ચાવી ચાવીને નીચે ફેંકવા માંડયા! 

‘અ૨૨! હનુમાનજી, શાણા થઈને આ શું કરો છો?’

‘માતાજી! જેમાં રામ નહિ, એ હનુમાનજીને મન સાવ નકામું! સુવર્ણમાં ૨ામ નથી. સુવર્ણ મારા માટે માટી બરાબર છે. બલ્કે માટી મને સુવર્ણથી વધુ કીમતી લાગે છે, ઘાસ-ધાન્ય એમાં ઊગે છે, મારો રામ એમાં વસે છે.’

‘તમારો રામ ક્યાં વસે અને ક્યાં નહિ?’

‘એક વસે મારા હૃદયમાં, બીજે મારી માતાના હૃદયમાં ને ત્રીજે આ ધરતીના પ્રાણીમાત્રના હૃદયમાં!’

‘કેવા રૂપે?’

‘પ્રાણ રૂપે! માતા. મને ચણા આપજો, સુવર્ણ ન આપશો, હીરા ન બક્ષશો, મોતી ભેટ ન કરશો. એમાં એમાં ૨ામ નથી, જેટલા ચણામાં છે! અને હે પૃથ્વીનાં પનોતાં પુત્રી! આ ૨હસ્ય તો મારા કરતાં તમે વધુ જાણો છો! મોતીમાં રામ નથી, ચણામાં રામ છે, ધરતીના પ્રાણ એમાં છે!’

વાહ! કેવી અજબ વાણી! કેવું અજબ તત્ત્વજ્ઞાાન! હનુમાનજીને કોણ યોદ્ધા કહે? અયોધ્યાનો આખો રાજદરબાર મહારથી હનુમાનને વંદી રહ્યો! ન વંદી શક્યાં રામ ને સીતા! કમલદલ જેવાં બંનેનાં લોચન અશ્રુજળથી અભિષિક્ત હતાં!

કુમારપાળ દેસાઈ

તા. 26-3-2026; ઈંટ અને ઈમારત

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑