સરમુખત્યાર કદી ઠીંગણો ન હોય, તેથી મુસોલિની સ્ટૂલ પર ઊભા રહીને પ્રવચન આપતો હતો
રોમનાં ઐતિહાસિક નગરમાં પ્રવેશ કર્યો, ત્યારે મનમાં રોમન સામ્રાજ્યની અનેક ઘટનાઓ દ્રશ્યરૂપે તરવરવા લાગી. ઇટલીની સફરના મારા બુઝર્ગ સાથી આલ્ડો રીઝો સાથે રોમની ભવ્યોજ્જવલ સંસ્કૃતિની વાત કરતો હતો, ત્યારે એમણે એક સમયના રોમન એમ્પાયરની હૃદયવિદારક ટ્રેજેડીના ખલપાત્ર મુસોલિનીને યાદ કર્યો અને કહ્યું કે, ‘આજે પણ મુસોલિનીએ પ્રજાપ્રેમ બતાવવા માટે એના ફળદ્રુપ ભેજામાંથી કેવા કેવા ઉપાયો કર્યા હતા, એને પ્રજા ભૂલી નથી.’
પોતાની આત્મપ્રશંસા માટે પ્રચારતંત્રોને એ સદા જાગતો રાખતો હતો અને કોઈ નિપુણ અદાકારની અદાથી પોતાની ઈમેજ રાષ્ટ્રનેતા તરીકે ઉપસાવવાનો પ્રયત્ન કરતો હતો, અને એથી જ આલ્ડો રીઝોએ કહ્યું કે, ‘મુસોલિની કુશળ રાજકારણી કરતાં ચાલબાજ અભિનેતા હતો.’ અને પછી તો આ બુઝર્ગે ભૂતકાળની એ સ્મૃતિને ઉખેડતા કહ્યું કે, સરમુખત્યાર વર્તન અને વાણીમાં દંભનો આશરો લઈને પોતાનો પ્રભાવ પ્રગટાવતા હોય છે. મુસોલિની પાસે રાજકીય દુરંદેશી કે લશ્કરી તાકાત નહોતી, પણ વાણી અને વર્તનથી વ્યક્તિત્વની વિશેષતા અને અભેદ્યતા ઉપસાવી રાખી. છટાદાર ભાષણોથી મુસોલિનીએ પાર્લામેન્ટને રંગભૂમિનો તખ્તો બનાવી દીધી. મુસોલિની ક્યારેક વીર ગર્જના કરે, ક્યારેક લાગણીમાં આંસુ સારે! ક્વચિત્ પ્રભુપ્રેમનો પરિચય આપવા કોઈ પાત્રનો રોલ ભજવી જાણે.
અધૂરામાં પૂરું પાર્લામેન્ટના પોતાનાં પ્રવચનો ૫૨ અને કાર્યવાહી પર એવી કલામયતાથી કાતર ફેરવી કે પ્રજાને મુસોલિની જ તારણહાર લાગે! મુસોલિનીનાં પ્રવચનો એના દિલની મહત્તા પ્રગટ કરતા હતા, તો બીજાના પ્રવચનો મુસોલિનીનો મહિમાગાન કરતા!
રાજકારણી નક્કર કાર્યને બદલે પ્રસિદ્ધિ પર આધાર રાખે, ત્યારે પ્રજા એની સાચી ઓળખ થતાં એનાથી વિમુખ થતી જાય છે. મુસોલિની જેટલી સ્વપ્રશંસા કરવા લાગ્યો, એટલો પ્રજાની નજ૨માં હીણો ઉતરવા માંડયો. પ્રજાના અદના સેવક પૂરવાર કરવા માટે એણે પાવડામાં માટી ઉંચકીને શ્રમયજ્ઞા કર્યો, પણ એથી વધુ શ્રમ અખબારોમાં એ ફોટો ચમકાવવા માટે લીધો.
સરમુખત્યારમાં એવી આત્મરતિ જાગે છે કે પ્રજાને પોતાનો ચહેરો- મહોરો અને દેખાવ વધુને વધુ આકર્ષક કેમ લાગે તેનો વિચાર કરે છે. મુસોલિનીને પોતાના જડબા ખૂબ મજબૂત લાગતા હતા. પોતાની જડબેસલાક છાપ પાડવા પાર્લામેન્ટમાં પ્રવચનો સાંભળતી વખતે ગંભીર મુખમુદ્રા ધારણ કરીને સાંભળતો હતો. પોતાની શારીરિક તાકાતની પહેચાન આપવા છાતી ખુલ્લી રાખતો હતો!
આલ્ડો રીઝોએ જે દિલચશ્પીથી મુસોલિનીની વાત કરી તેમાં પ્રજાની બનાવટ માટે ખેલ ખેલતા રાજકારણનું ઠઠ્ઠાચિત્ર મળતું હતું. ઠઠ્ઠાચિત્ર કરનાર વ્યક્તિની એક શારીરિક મર્યાદાને પકડીને એને વધુ મેગ્નિફાય કરીને બતાવે છે. મુસોલિનીની આવી મર્યાદાની વાત કરતાં આલ્ડો રીઝોએ કહ્યું કે મુસોલીનીને સૌથી મોટી ચિંતા સતાવતી હોય તો તે એના ઠીંગુજીપણાની! સરમુખત્યાર કંઈ ઠીંગણો હોય ખરો? આથી પોતાની શારીરિક મર્યાદાને છુપાવવા માટે મુસોલિની સ્ટૂલ પર ઊભા રહીને જોશભેર પ્રવચન આપતા હતા.
આલ્ડો રીઝોએ પોતાની વાત આગળ વધારતાં કહ્યું, ‘હિટલર અને મુસોલિનીમાં એક વિશિષ્ટ સામ્ય હતું. બાળપણથી જ બંને વકરેલો અહમ્ ધરાવતા હતા. ઉદંડ દિમાગ બંનેને સરમુખત્યારના લક્ષણરૂપે વારસામાં મળ્યો! નિશાળમાં તો મુસોલિનીએ નામ કાઢયું. એક નિશાળમાંથી એને બરતરફ કરવામાં આવ્યો. બીજી નિશાળમાં ગયો, પણ મિજાજ કંઈ બદલાય ખરો! અહીં ગુસ્સામાં એક સહાધ્યાયી પર ચપ્પુ લઈને તૂટી પડયો. પરિણામે નિશાળ છોડવાનો વારો આવ્યો.’
સાવ સામાન્ય વિદ્યાર્થી તરીકે મુસોલિનીએ અભ્યાસ પૂરો કર્યો. ભણવામાં કોઈ રુચિ નહીં, પણ પહેલી નોકરી શિક્ષકની સ્વીકારી! આવું ફાવે ક્યાંથી? પુસ્તકની શાંત દુનિયા કરતાં રાજકીય ઉથલપાથલ એની મહત્ત્વાકાંક્ષાને વધુ માફક આવી. વર્ગશિક્ષણ છોડીને એ સમાજવાદી ચળવળોમાં સક્રિય બન્યો. આકાંક્ષાઓ એના જીવનને અવનવા સ્વાંગ ખેલાવતી હતી. શિક્ષકમાંથી ચળવળિયો બન્યો અને ચળવળ છોડીને સૈનિક થયો. સૈનિકના શસ્ત્ર છોડી પત્રકાર બનીને કલમની કટારી હાથમાં લીધી. સૈનિકજીવનમાં શિસ્તબદ્ધતાની જરૂર પડે. શબ્દલેખનમાં એના ફાસિસ્ટ વિચારોને મોકળું મેદાન મળી ગયું! પછી તો પૂછવું જ શું? ઇટલીમાં ફાસિસ્ટ મૂવમેન્ટ જાગી અને મુસોલિની એનો મોવડી બની ગયો!
ઈટલીના મારા બુઝર્ગ સાથી આલ્ડો રીઝો મને મુસોલિનીના સમગ્ર વ્યક્તિત્વની ઓળખ આપવા ચાહતા હતા. તેથી તેઓ બોલ્યા, ‘જુઓ, સરમુખત્યાર ‘સર્વશ્રેષ્ઠ’ની ઝંખના પર જીવે છે. મુસોલિની યુરોપમાં સર્વશ્રેષ્ઠ રાજપુરુષ થવા ચાહતો હતો. આથી પ્રારંભમાં એણે હિટલ૨ની ભારે હાંસી ઉડાડી. એને ‘બાળક બેવકૂફ વિદૂષક’ કહેતો હતો અને એની વાતોને વાહિયાત ગણતો હતો. ધીરે ધીરે વાસ્તવિક પરિસ્થિતિ સમજાતા મુસોલિનીને લાગ્યું કે હિટલરની લશ્કરી તાકાત સામે પોતે ઊભો રહી શકે તેમ નથી! પરિણામે ઇર્ષા છોડીને દોસ્તીનો હાથ લંબાવ્યો! વિશ્વયુદ્ધમાં હિટલરના લશ્કરને મુસોલિનીના ઈટલીના સૈન્યે સાથ આપ્યો. હિટલરના પતન સાથે આ સરમુખત્યારનું પણ પતન થયું. ૧૯૪૩માં મુસોલિનીનું પતન થયું. પરંતુ મનનો અહંકાર એવો તો ચકરાવા લેતો હતો. બે વર્ષ સુધી મુસોલિની એક જ વિચાર કરતો હતો કે વિશ્વના ઇતિહાસને મુસોલિનીને યાદ કર્યા વિના છૂટકો જ નથી, પણ કઈ રીતે ઇતિહાસમાં મુસોલિનીને અવિસ્મરણીય યાદ કરાશે તે વિચારતો હતો.’
ઇટલીમાં એક કાંકરે બે પક્ષી વીંધાયા જેવું બન્યું. મહત્ત્વાકાંક્ષી મુસોલિનીને ઇટલીના રાજકુટુંબનું પીઠબળ હતું. મુસોલિનીના પતન સાથે ફાસિસ્ટ બળોનો નાશ થયો અને રાજાશાહી પદ્ધતિએ પોતાની આબરૂ ખોઈ.
આલ્ડો રીઝોની આ દુ:ખદ દાસ્તાન હજી ચાલુ હતી. વિશ્વયુદ્ધ વખતે ઇટલીને મુસોલિની મળ્યો. વિશ્વ યુદ્ધ પછી ઇટલીને એકત્રીસ વાર પ્રધાન અને સાત વાર વડાપ્રધાન બનનારી ભ્રષ્ટાચારી અને માફિયા સાથે સંબંધ ધરાવનાર આન્દ્રેઓટી મળ્યો. મહાન દેશનું આ કેવું દુર્ભાગ્ય.
આલ્ડો રીઝોનાં વાક્યોમાં સ્વાતંત્ર્ય પછીના ભારતીય રાજકારણની તારીખ અને તસ્વીરમાંથી જાગતો આવો જ સૂર સંભળાયો.
બુઝર્ગ સાથી ઓલ્ડો રીઝોએ તો છેક વિશ્વયુદ્ધથી માંડીને વર્તમાન સમય સુધી વાત કરી અને જાણે હું રાજકારણનો રસિયો હોઉં તે રીતે ઈટલીના એક એક પૃષ્ઠ ઉઘાડતો ગયો. સંસ્કૃતિઓનું પતન પણ કેવું થતું હોય છે? એક સમયે વિશ્વમાં પરાક્રમ અને પ્રતિભાવોથી ઇતિહાસ સર્જનાર સંસ્કૃતિ સમયનો પ્રવાહ પલટાતા અને એનો ઇતિહાસ પડખું ફેરવે છે, ત્યારે કેવી બદલાઈ જાય છે!
રાજકારણની વાતોનો પણ એક રંગ હોય છે. એમાં પણ ઘાટા રંગ હોય અને આછા રંગ પણ હોય, કોઈ કોઈની તરફદારી કરે તો કોઈ એનો બરાબર વિરોધ કરે, ઘેર બેઠા રાજકારણની ચિંતામાં દુબળા થતા ઘણા માણસોને મેં જોયા છે. એમને માટે આ રાજકીય આટાપાટા એ જ એમના વાણી અને વિચારનું કેન્દ્ર હોય છે.
પણ ખેર, મહાન રોમન સામ્રાજ્યના પતનની વાત જાણ્યા પછી મન તો પાછું વેટિકનમાં દોડી ગયું. ઇટલી છોડીને વેટિકન જવાનું હતું. વેટિકન વિશ્વનો સૌથી નાનો દેશ. આખોય દેશ માત્ર ૪૪ હેક્ટરમાં ફેલાયેલો અને છતાં વિશ્વની ઘણી મોટી પ્રજા પર એનો આગવો પ્રભાવ. સિંગાપોરની માફક વેટિકન શહેર એ જ દેશ. કલા અને સ્થાપત્ય, ઇતિહાસ અને પરંપરા, ધાર્મિકતા અને અપ્રતિમ ચિત્રકલાનો અદ્ભુત નજારો. દુનિયાભરમાંથી ધાર્મિકો અને પ્રવાસીઓ અહીં આવતા હોવાથી દરેકની નજરે વેટિકન જુદું જુદું જોવા મળે.
વેટિકનમાં પ્રવેશો એટલે માઈકલ એન્જેલોની અનુપમ કલાકૃતિઓ જોઈને તમે સ્તબ્ધ થઈ જાવ. એને પોતાનું ટીવી, રેડિયો સ્ટેશન અને અખબાર. એનું આખુંય અર્થતંત્ર મોટેભાગે દાન પર ચાલે. એક વિચિત્ર વાત એ પણ જોવા મળી કે એક હજારથી ઓછા વેટિકનના સત્તાવાર રહેવાસી હોવા છતાં ત્યાં ગુનાનું પ્રમાણ સારું એવું જોવા મળ્યું. ખિસ્સાકાતરુઓ, પર્સ ખેંચનારાઓ અને દુકાનમાંથી ચીજવસ્તુઓ ચોરી જનારાઓ મળે. વળી, અહીં પુરુષોની વસ્તી નેવું ટકાથી પણ વધારે અને નિ:સંતાન વૃદ્ધ. એ સહુ સાથે મળીને અહીં ભોજન લે. વળી, વૃદ્ધ નિ:સંતાન પુરુષોને કારણે બાળજન્મ દ્વારા વસ્તીવધારો અશક્ય ગણાય. વેટિકનની આવી ઘણી વિશેષતાઓનું સ્મરણ થાય. પરંપરા પણ કેવી હોય છે, પોપનો એક અંગત વાણંદ હોય છે અને એને કોન્સ્લેવ દરમિયાન સિસ્ટાઇન ચેપલમાં પ્રવેશવાની મંજૂરી હોય છે. ખગોળશાસ્ત્ર અને ખગોળ ભૌતિકશાસ્ત્રનાં સંશોધનો પણ અહીં ચાલે છે.
કુમારપાળ દેસાઈ
તા. 19-3-2026; ઈંટ અને ઈમારત