અર્જુનનો વિષાદ એ એના હૃદયમાં રહેલા ત્યાગ-વૈરાગ્યનું પરિણામ છે !

‘જી વનભર જેમના આશીર્વાદ પામીને જીવ્યો છું એવા પિતામહ ભીષ્મ અને ગુરુ દ્રોણ સામે હું કઈ રીતે શસ્ત્ર ચલાવી શકું? કઈ રીતે હું મારા કુળના વડીલોને, મારા બાંધવોને અને એમના સંતાનોને હણી શકું? કઈ રીતે હું સનાતન કુળધર્મને નષ્ટ કરીને સમગ્ર કુળને નરકનું ભાગી બનાવી શકું?’

કૌરવ અને પાંડવ સેનાની વચ્ચે ઊભેલા અર્જુનના મનમાં ઘોર વિષાદ જાગતાં એ ગાંડિવ ધનુષ અને બાણોનું ભાથું નીચે ફેંકીને રથની પાછળના ભાગમાં બેસી જાય છે. એ સમયે શ્રીકૃષ્ણ એને મર્મભેદી પ્રશ્ન પૂછે છે, ‘કટોકટીની ક્ષણે તારો આવો વિષાદ? કુરુક્ષેત્રમાં પ્રવેશ્યા તે પૂર્વે શું તને એ ખ્યાલ નહોતો કે કૌરવપક્ષે સમરાંગણ ખેલી રહેલા અને દુર્યોધનનો પક્ષ લેનારા પિતામહ અને ગુરુવર સામે તારે યુદ્ધ ખેલવાનું છે?’ Next

અર્જુને વિષાદભર્યા અવાજે પરમ સખા શ્રીકૃષ્ણને કહ્યું, ‘મને એનો ખ્યાલ હતો ખરો, પરંતુ આવી પરિસ્થિતિનો અંદાજ નહોતો. એમ હતું કે ક્યારેક એ સન્માન્યો યુદ્ધની કપરી ક્ષણોએ કોઈના ય પક્ષમાં નહીં રહે. તટસ્થ બની રહેશે. પણ અત્યારે તો ખરેખર એમને મારી સામે રથમાં આરૂઢ થઈને શસ્ત્રસજ્જ બનીને યુદ્ધ ખેલવા યુયુત્સુ જોઉં છું, ત્યારે મારા મનમાં આ વિષાદ જાગે છે.’

‘અર્જુન, તારા જેવા વીરને આવી ક્ષણોએ વિષાદ શોભે ખરો?’ શ્રીકૃષ્ણ અર્જુનનું મન પામી ગયા હતા. એમણે જોયું કે ગાંડિવને નીચે મૂકી દેનારો અર્જુન અત્યારે પોતાના મનને સમજાવી રહ્યો છે. ‘મામકા:’ને એટલે કે પોતાના સ્વજનોને હણવાની અનિચ્છાને સંભાવનાનો અંચળો ઓઢાડી રહ્યો છે. શ્રીકૃષ્ણે અર્જુનની કરુણાથી વ્યાપ્ત અને આંસુઓથી ભરેલી તેમજ વ્યાકુળ નેત્રોવાળી શોકયુક્ત દશા જોઈ અને એમણે પોતાના ૫૨મસખાને આ કપરી ક્ષણે સમજાવતાં કહ્યું, 

‘હે અર્જુન, તને આ કસમયે આવો મોહ કઈ રીતે પ્રાપ્ત થયો? કારણ કે શ્રેષ્ઠ પુરુષો આવું આચરણ કરતા નથી. ન તો આ સ્વર્ગ આપનારું છે કે ન કીર્તિ આપનારું છે.'(અધ્યાય ૨૬, ભીષ્મપર્વ, શ્લોક-૨) 

આમ શ્રીકૃષ્ણ કહે છે કે એક તો આવો વિષાદ કરવાનો આ સહેજે યોગ્ય સમય નથી. યુદ્ધક્ષેત્રમાં અઢાર અક્ષૌહિણી સેના સજ્જ થઈને સમરાંગણ ખેલવા માટે આતુર હોય, ત્યારે આવો વિચાર એ આવા ખોટા સમયે કરેલો વિચાર ગણાય. શ્રીકૃષ્ણ અર્જુનના ચિત્તમાં યુદ્ધ પૂર્વેના અથાગ પ્રયત્નો અને એમના દૂત તરીકેના વિષ્ટિકાર્યનું સ્મરણ જગાવે છે. શ્રેષ્ઠ પુરુષો આવું આચરણ કરતા નથી અર્થાત્ શ્રેષ્ઠ પુરુષો યુદ્ધના સમયે યુદ્ધ ખેલી લેવામાં માને છે. વિષાદગ્રસિત થવામાં નહીં. વળી અર્જુનના ક્ષત્રિયત્વનો અહેસાસ આપતા તેને કહે છે કે, ક્ષત્રિયને માટે યુદ્ધ એ તો પ્રાણ છે, યુદ્ધ એ તો કર્તવ્યનો પોકાર છે. એવા યુદ્ધ સમયે પીઠ બતાવીને આમ પરાજિત થઈ જવું, એ તો અત્યંત અપકીર્તિ આપનારું નરકદાયી કૃત્ય છે. ક્ષત્રિયનો ધર્મ તો યુદ્ધ ખેલીને વીરગતિની પ્રાપ્તિનો છે અને ત્યારે એક ક્ષત્રિય થઈને તું ખરાખરીના સમયે આમ પીછેહઠ કરવાનું વિચારે તે કેટલું યોગ્ય ગણાય? 

શ્રીકૃષ્ણ એને યોગ્ય આચરણ અને ક્ષત્રિયધર્મની વાત પછી થનારી અપકીર્તિની વાત કરે છે. અર્જુન જેવો વી૨ કુરુક્ષેત્રમાંથી યુદ્ધ કર્યા વિના પાછો હઠે તો એની વીરતા પર સદાને માટે કલંક લાગી જશે. આમ શ્રીકૃષ્ણના પ્રત્યેક વાક્યમાં અર્જુનને વિષાદમાંથી બહાર લાવીને કર્તવ્યપથ દર્શાવવાનો છે અને એક વાર કર્તવ્યપથ પર લાવ્યા પછી આ ગાંડિવધન્વાના ગૌરવને પુન: સ્થાપન કરવા માટે શ્રીકૃષ્ણ કહે છે, 

‘હે અર્જુન, નપુંસક બનીશ નહીં. આ તારે માટે યોગ્ય નથી. હે પરંતપ! હૃદયની તુચ્છ દુર્બળતાનો ત્યાગ કરીને યુદ્ધને માટે સજ્જ થઈ જા.’ 

અર્જુનના ગૌરવને પ્રગટ કરવા માટે પહેલાં શ્રીકૃષ્ણ એના અંત:સ્તલ પર પ્રહાર કરે છે અને કહે છે કે આવું વિચારે તે નપુંસક કહેવાય. નિર્બળ અને કાયર ગણાય. આમ કરવાથી તો રાજકુળનું ગૌરવ કે પછી ક્ષત્રિયનું વીરત્વ લાજી મરે. યુદ્ધમાંથી ભાગી જવું એટલે નપુંસકતા. પોતાના સમયના સમર્થ વીરોને પરાજિત કરનાર યુદ્ધવીરને ને આવી નપુંસકતા શોભે ખરી? 

મોહગ્રસ્ત બનીને વિષાદ અનુભવતા અર્જુનને એના હૃદયની તુચ્છ દુર્બલતાનો ત્યાગ કરવાનું શ્રીકૃષ્ણ કહે છે. આ હૃદયમાં ક્યારેક કોઈ એવો મોહ પેસી જાય છે કે ભલભલા વી૨નું હૃદય પણ દુર્બળ બની જાય છે. તારા હૃદયમાં જાગેલા નિર્બળ વિચારોએ તને પામર માનવીની માફક દુર્બળ બનાવી દીધો છે. તારી વીરતાને જાગ્રત કર, એવો સંકેત શ્રીકૃષ્ણ અર્જુનને આપે છે. કારણ કે તારા મોહગ્રસ્ત મને તારા દેહને સાવ દુર્બળ બનાવી દીધો છે. અને અર્જુન પણ નિખાલસતાથી પોતાની ક્ષમતા નહીં હોવાનો એકરાર કરતાં કહે છે, 

‘હે મધુસૂદન, હું રણભૂમિમાં કઈ રીતે ભીષ્મ પિતામહ અને ગુરુ દ્રોણ સામે બાણયુદ્ધ કરી શકું? કારણ કે એ બંને મારે માટે પૂજનીય છે.’ આમ કહીને અર્જુને પોતાના હૃદયનો મનોભાવ વ્યક્ત કરતાં કહ્યું, 

‘આવા ગુરુજનોને હણવા કરતાં તો આ જગતમાં ભિક્ષા માગીને અન્ન પર જીવવું વધુ કલ્યાણકારી છે, કારણ કે આ ગુરુજનોને હણીને અંતે તો મારે આ જગતમાં લોહિયાળ સંપત્તિ અને કામવાસનાના ભોગો જ ભોગવવાના છે ને!’ 

અહીં પ્રગટ થતું અર્જુનનું વ્યક્તિત્વ વિચારપ્રેરક છે. યુદ્ધક્ષેત્રમાં ભીષ્મ અને દ્રોણ ઊભા છે. દુર્યોધન કૌરવપુત્રો સાથે પાંડવસેના ૫૨ પાંડવોને પરાજિત કરવા માટે અતિ આતુર છે. દુર્યોધનના વડીલજનો અને ગુરુજનોની જ નહીં, પરંતુ એના સંતાનો પણ યુદ્ધભૂમિ પર ઊભા છે. સવાલ એ છે કે અર્જુનને એવો વિચાર આવે છે કે મારા કૌ૨વબંધુઓ કે કૌરવપુત્રોને હણીને હું શું મેળવીશ? આવું કૃત્ય સહેજે કલ્યાણકારી ગણાય નહીં. હવે જુઓ, કુરુક્ષેત્રની રણભૂમિ પર અન્ય કોઈને આવો વિચાર આવતો નથી એ જ અર્જુનના હૃદયની ઉચ્ચ ભૂમિકા દર્શાવે છે. આ અર્જુને પૂર્વે ઘોર તપશ્ચર્યા કરીને છેક નિર્વિકલ્પ સમાધિ સુધીની ભૂમિકા મેળવી હતી. એવા અર્જુનને જ આવા ત્યાગ-વૈરાગ્યનો વિચાર આવી શકે. બીજાની ચિંતા એના જ મનમાં ઊગી શકે, વિરોધી માટે કલ્યાણભાવના એના ચિત્તમાં જ જાગ્રત થઈ શકે. આ અર્જુનનું સરળ હૃદય, આપવાની વૃત્તિ અને બીજાને માટે સહેવાની ક્ષમતાનું પ્રાગટય છે. 

આવો વિચાર દુર્યોધન કે અન્ય કોઈ કૌરવપક્ષની વ્યક્તિઓને ન આવે, તેનો અર્થ એવો નથી કે દુર્યોધનને પોતાના ભાઈઓ અને પુત્રો યુદ્ધમાં હણાઈ જશે એવો ભય નથી. પરંતુ એ ભય ૫૨ એના અંગત સત્તાલોભનું એવું પ્રાધાન્ય જામ્યું છે કે જેણે અભિમાની દુર્યોધનની સંવેદનાનો સંપૂર્ણપણે સંહાર કર્યો છે. પોતાના સત્તાલોભને માટે શત્રુઓનું તો ઠીક, પરંતુ મિત્ર અને પુત્રોનું બલિદાન આપવા પણ દુર્યોધન તૈયાર છે.

અર્જુનની સાત્ત્વિક પ્રકૃતિ એને સમષ્ટિનો વિચાર કરવા પ્રેરે છે. સ્વજનો, સન્માનનીયો અને કુળધર્મની એને ચિંતા થાય છે. જ્યારે તામસિક પ્રકૃતિનો દુર્યોધન પોતાનો અંગત લાભ જુઓ છે. અન્યની ક્ષેમકુશળતા, પરમાર્થ કે કલ્યાણનો વિચાર કરતો નથી. અર્જુનના વિષાદયોગમાં પણ માનવકલ્યાણની ઊર્ધ્વદ્રષ્ટિ રહેલી છે. 

ઊભય સેનાની વચ્ચે વિષાદગ્રસ્ત અર્જુન યુદ્ધ નહીં કરું એમ શ્રીકૃષ્ણને કહે છે, પણ સાથોસાથ એને પોતાના નિશ્ચયમાં શંકા જાગે છે અને પછી નિખાલસતાથી કહે છે, 

‘અમારે માટે યુદ્ધ કરવું અને ન કરવું એ બેમાંથી શ્રેષ્ઠ શું છે એની મને સૂઝ પડતી નથી. વળી અમે જીતીશું કે પરાજિત થઈશું – એ પણ જાણતા નથી. જેમને હણીને અમે જીવવા ઇચ્છતા નથી એવા ધૃતરાષ્ટ્રના પુત્રો અમારી સામે મુકાબલામાં ઊભા છે, ત્યારે ચિત્તમાં જાગતો સંશય આપને પૂછયો હતો કે મારે માટે કયો માર્ગ કલ્યાણકા૨ક છે એ કહો. હું તમારો શિષ્ય છું. તમારા શરણમાં આવ્યો છું. તમે મને યોગ્ય માર્ગ આપો.’

કુમારપાળ દેસાઈ

24-5-2026 જાણ્યું છતાં અજાણ્યું

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑