કોઈ ગુરુનો ઉપદેશ સાંભળતા હો, સંતની વાણીનુ શ્રવણ કરતા હો, ત્યારે આ શ્રવણની પ્રક્રિયામાં એક બીજી ઘટના બનતી હોય છે. આ શ્રવણ કરતી વખતે માત્ર શબ્દો જ તમને સ્પર્શતા નથી. એ શબ્દો ઉપરાંત બીજી ઘણી બાબતોનો શ્રોતાના ચિત્ત પર પ્રભાવ પડે છે. આનંદમયી માના ચહેરા પરનું વાત્સલ્ય જુઓ, ૨મણ મહર્ષિના મુખ પરની શાંતિ જુઓ, સ્વામી વિવેકાનંદનુ તેજ જુઓ, પૂજ્ય શ્રીમોટાનું હળવું હાસ્ય જુઓ કે રજનીશજીની આંખો જુઓ, આ બધાનો પણ પ્રત્યક્ષ બેસીને સત્સંગ કરનારના ચિત્ત પર એક પ્રભાવ પડતો હોય છે. વ્યક્તિની ઉપસ્થિતિ હોય, ત્યારે એના શબ્દો સાથે એની ઉપસ્થિતિનો સ્પર્શ પણ અનુભવાતો હોય છે. મહાત્મા ગાંધીજીનાં પ્રવચનો જેમણે સાંભળ્યાં એવા અનેક લોકો બધું જ છોડીને આઝાદીના આંદોલનમા જોડાઈ ગયા. આજે એ જ શબ્દો કોઈ ટેપમાં સાંભળવા મળે, ત્યારે શ્રોતાને એવો અનુભવ થતો નથી. આથી સંતની ઉપસ્થિતિ વિશેષ પ્રભાવક હોય છે. વક્તવ્ય સમયની એમની પ્રત્યેક ચેષ્ટા દ્વારા એમના શબ્દોમાં ભાવોનો રંગ પૂરાય છે અને તેથી એ સંતના શબ્દો, એની ચેષ્ટાઓ-એ બધું શ્રોતાજનોને સ્પર્શી જાય છે. ક્યારેક સંતનો અવાજ ઊંચો થાય છે, તો ક્યારેક વચ્ચે વચ્ચે થોડીક ક્ષણો મૌન આવે છે. તેનો પણ શ્રોતાઓને એક જુદો અનુભવ હોય છે. આ રીતે સંતની ઉપસ્થિતિમાં એમનાં વચનોનું શ્રવણ કરવામા આવે, ત્યારે શ્રોતાનું અનુસંધાન એમની ભાવસ્થિતિ સાથે જોડાય છે.
ઘણીવાર એમ કહેવાય છે કે સંતનુ મૌન એ પણ વ્યાખ્યાન હોય છે. એનો અર્થ જ એ કે મૌન દ્વારા પ્રગટતી સંતની એ ભાવસ્થિતિ શ્રોતાજનો પર અસર કરે છે. આ રીતે તમારી આધ્યાત્મિક અવસ્થા ઉચ્ચ ન હોય, તો પણ સંતના સાનિધ્યમા ઉચ્ચ આધ્યાત્મિક અવસ્થાનો અનુભવ કરો છો. આને પરિણામે જ ઘણી વ્યક્તિઓ આધ્યાત્મીક પ્રવચનોનુ શ્રવણ કર્યા પછી એક પ્રકારનો ખાલીપો મહેસૂસ કરે છે. એનું એક કારણ એ છે કે સંતની હાજરી, વાણી, વિચાર એ બધુ જ તમને કોઈ જુદા આધ્યાત્મિક પ્રદેશમા લઈ જાય છે. આથી સત્સંગ કરવો કે ધર્મસભામા જવુ એનો અર્થ માત્ર શ્રવણ પૂરતો મર્યાદિત નથી. એની સાથે સંતના સમગ્ર અસ્તિત્વનો સ્પર્શ થતો હોય છે.
કોઈ અધ્યાપકને પૂછશો તો એ તમને કહેશે કે વર્ગમાં વિદ્યાર્થીઓ સાથે અધ્યાપન કાર્ય કરતી વખતે ઘણા નવા વિચારો આવ્યા. કોઈ વક્તાને પૂછશો તો એ પણ એકક૨ા૨ ક૨શે ઘણી વાર વક્તવ્ય આપતા આપતા નવા મૌલિક વિચારો સ્ફુરે છે. આવી જ રીતે સત્સંગ સમયે પણ સંત, ઉપદેશક કે વિચારકના ચિત્તમાં એકાએક કોઈ નવું રહસ્ય ફૂટતું હોય છે. શ્રોતાઓ એને ભાવપૂર્વક સાંભળે, ત્યારે એમને પણ કોઈ નવી દ્રષ્ટિ, કોઈ નવો વિચાર, કોઈ આગવો અભિગમ વગેરેનો ખ્યાલ આવે છે. આનો અર્થ જ એ કે જ્યારે તમે સત્સંગ કરો છો ત્યારે તમે એ સંત કે જ્ઞાની પુરુષના નવા નવા રહસ્યોને પામો છો. આથી સત્સંગમા મગ્ન બની જનારને વિશેષ આધ્યાત્મિક પ્રસાદી પ્રાપ્ત થતી હોય છે. એ વ્યાખ્યાનમાં ડૂબી જાય છે. અને તેને પરિણામે એને ઘણાં નવાં જીવનરહસ્યો અને જીવનદર્શનો પ્રાપ્ત થાય છે. અને પછી તો જેમ જેમ એ સત્સંગમા સામેલ થતો રહે કે ધર્મકથાનુ શ્રવણ કરતો રહે, તેમ તેમ એને નવીન દર્શનો મળે છે અને એના રીતે નૂતન રહસ્યો પ્રાપ્તિની આનંદની અનુભૂતિ મળે છે. આવો આનંદ એનામાં મસ્તીનું સર્જન કરે છે અને સમય જતાં એ કથા સત્સંગ કે ઉપદેશ એના ચિત્તમા એક મસ્તી જગાવે છે. આ મસ્તીને તમે નશો પણ કહી શકો. એકવાર એ મસ્તી જાગ્યા પછી સાધક સતત એમાં નિમગ્ન રહે છે અને જેમ જેમ એની નિમગ્નતા સધાય છે, તેમ તેમ એને પરમના સ્પર્શનો અનુભવ થાય છે. પછી તો પ્રત્યેક સત્સંગ સાથે એનું હૃદય તાલ મેળવવા લાગે છે. એના જીવનનું, જગતનું, વિચારનું અને આચારનું પરિવર્તન થાય છે અને ક્રમશ: એ આધ્યાત્મિક ઉર્ધ્વતા સાધતો રહે છે.
આનો અર્થ અને મર્મ એટલો જ કે આધ્યામિક ઉર્ધ્વતાના પાયામાં સમ્યગ્ શ્રવણ રહેલું છે એટલે કે જો યોગ્ય રીતે શ્રવણ કરતા આવડે તો જ વ્યક્તિ આધ્યાત્મિક દ્રષ્ટિ પામી શકે છે.
આવુ સમ્યગ્ શ્રવણ બે પ્રકારની પરિસ્થિતિનુ સર્જન કરે છે. એમાં વક્તા એ જાણે કોઈ આધ્યાત્મિક પ્રેરણાનો શ્રોતા હોય, એ રીતે વક્તવ્ય આપે છે. આથી જ સંતો અને જ્ઞાનીઓ વારંવાર કહે છે કે તેઓ સ્વયં બોલતા નથી પરંતુ કોઈ એમની પાસે બોલાવે છે. પોતે તો માત્ર એને જીભના માધ્યમથી પ્રગટ કરે છે. નરસિંહ મહેતા કૃષ્ણ ભક્તિના ગીતો ગાય છે, ત્યારે આવો જ ભાવ અનુભવે છે. કે પોતે તો માત્ર ગાઈ રહ્યાં છે એમાંના ભાવ તો ભગવાને પૂરેલા છે. મીરા ઘૂંઘરુ બાંધીને નાચે છે. એનો અર્થ એ કે એના હૃદયમાં કોઈ ઘૂંઘરુ બાંધીને નાચી રહ્યું છે. મીરા તો માત્ર એ વાતને પ્રગટ કરે છે. કેટલાક વક્તાઓ આને ગુરુકૃપા તરીકે વર્ણવે છે, તો કેટલાક એને ઈશ્વરકૃપા તરીકે ઓળખાવે છે. પણ મૂળ વાત તો એટલી જ છે કે આમાં વ્યક્તિ એ પોતે માધ્યમ છે બોલાવાનારું કોઈ બીજું છે.
શ્રવણ સમયે સર્જાતી બીજી પરિસ્થિતિમાં શ્રોતાનું હૃદય ગુરુના હૃદય સાથે તાલ મેળવે છે. એ ગુરુની એકે એક ભાવના ઝીલે છે અને એ ઝીલવાની પ્રક્રિયા સમયે એનું હૃદય સતત નાચતું હોય છે. આ રીતે સમ્યક્ષ શ્રવણ વખતે વ્યક્તિ ગુરુના ભાવોને અનુભવે છે અને પછી સમય જતાં એ ભાવો એના હૃદયમાં સતત ઘૂંટાયા કરે છે. એક નવી પ્રક્રિયા શરૂ થાય છે કે કથા સાંભળનાર યા સત્સંગ કરનાર વ્યક્તિના હૃદયમાં નવાં નવાં રહસ્યો પ્રગટવા માંડે છે. જેમ સંત, જ્ઞાની કે ગુરુ સત્સંગમાં વચનામૃતનું પાન કરાવતા હોય, ત્યારે એ સ્થળે અને એ ક્ષણે કોઈ નવું રહસ્ય સ્ફૂરિત થાય છે, એ જ રીતે એ વાણીનું વારંવાર મંથન કરવાથી શ્રોતાના હૃદય મા પણ નવાં રહસ્યો ખૂલે છે અને ધીરે ધીરે શ્રોતા ગુરુના હૃદય સુધી પહોંચી શકે છે. એમની ભાવનાઓનો સ્પર્શ કરી શકે છે અને એમની ભાવદશાની પ્રત્યેક ક્ષણોને પામી શકે છે.
ગુરુના શબ્દો એ એમનું પ્રગટ સ્વરૂપ છે અને મૌન એ એમનું આંતર સ્વરૂપ છે. આ પ્રગટ સ્વરૂપ અને આંતર સ્વરૂપ એક જ હોય છે, પરંતુ પ્રારંભે સત્સંગમાં ગુરુના પ્રગટ સ્વરૂપ એવા શબ્દોને પકડીએ છીએ, પણ જેમ જેમ એ પ્રગટ સ્વરૂપ દ્વારા ગુરુના હૃદયને સ્પર્શવાનું બને, તેમ તેમ ગુરુના આંતરિક સ્વરૂપ સમા મૌનને પણ સ્પર્શી શકાય છે. જે શબ્દો દ્વારા પામ્યા છીએ, તેને મૌન સાથે પામીએ છીએ. શબ્દ એ આપણને સ્થૂળ હકીકતો આપે છે, જ્યારે મૌન એ સ્થૂળ હકીકતોનું સૂક્ષ્મ રૂપાંતર કરે છે. એટલે કે આ સઘળા શબ્દોનું પ્રયોજન તો શ્રોતાને નિ:શબ્દતાનો અનુભવ કરાવવાનો હતો. પહેલા ગુરુની શબ્દમય વાણી એ સાંભળતો હોય છે. અને પછી એ ગુરુના મૌનની વાણીનુ શ્રવણ કરે છે. આથી શ્રી ૨મણ મહર્ષિએ કહ્યું છે કે ‘મૌન એ નિરંતર વાણી છે અને સર્વોત્તમ ભાષા છે.’ આવી મૌનની વાણીનો પ્રભાવ શું હોય છે તેનો એક પ્રસંગ જોઈએ.
સવારનો સૂર્ય પોતાના સોનેરી કિરણોની જાજમ પૃથ્વી પર પાથરતો હતો. આકાશમાં હજી ઉષાની આછેરી લાલી પથરાયેલી હતી. હવામાં હૂંફાળી તાજગી હતી. આ સમયે ભગવાન બુદ્ધના વિહારની આસપાસ એમનું શિષ્યવૃંદ એકત્ર થયું હતું. લાંબા સમય પછી ભગવાન બુદ્ધ આજે મૌન સમાપ્ત કરવાના હતા. આથી આસપાસનાં નગરોમાથી હજારો માનવી એમની અમૃતધારા સાંભળવા ચાતકની પેઠે આતુર હતા.
ભગવાન બુદ્ધ એમના વિહારના દરવાજે આવ્યા. મૌનનો સમય પૂરો થવાની ઘડીઓ ગણાતી હતી. એમની મધુર વાણી ક્યારે પ્રગટે એની સહુ રાહ જોતા હતા.
ચોતરફ પ્રભાતની એક નિ:સ્તબ્ધ શાંતિ હતી. વાતાવરણમાં દિવ્યતાનો અનુભવ થતો હતો. આવે સમયે કલરવ કરતું એક પંખી આવ્યું અને મધુર ગીત-ગુંજન કરવા લાગ્યું. પંખીના કલરવમાં મધુર આનંદનો મહાસાગર ઉછળતો હતો. એના સુંદ૨ ગીતમાં એક પછી એક અવનવા ભાવ ઉભરાતા હતા.
વિહારના દરવાજે આવીને ઊભેલા ભગવાન બુદ્ધ મૌન જ રહ્યા. એમની આંખો બિડાઈ ગઈ. તેઓ એ પંખીનું દિવ્ય-ગીત મૌન ધારણ કરીને સાંભળતા રહ્યા.
ભગવાન બુદ્ધ મૌન હતા, તેથી એમના શિષ્યવૃંદ અને જનમેદનીમાં એક ની૨વ શાંતિ ફેલાઈ ગઈ અવનવા અને અનોખા ભાવ પ્રગટાવતું પંખીનું એ મધુર ગીત પૂરુ થયું, ત્યારે આસપાસની શૂન્યતા વધુ ગહન બની. ની૨વ શાંતિની એક છાપ ઉપસી આવી અને ચોતરફ અલૌકિક વાતાવરણ છવાઈ ગયું. કશુંય બોલ્યા વિના ભગવાન બુદ્ધ એમના વિહારમાં પાછા ગયા !
આ દિવસે એમનું મૌન એ જ એમનું પ્રવચન બન્યું. મૌનથી મોટો કોઈ શબ્દ નથી. મૌનનાં જેવું કોઈ અસ૨કા૨ક પ્રવચન નથી. જે મૌન કહે છે તે વાણી લાખ ઉપાયે પણ શબ્દોથી બોલી શકાતી નથી. શબ્દોમાં આલેખાયેલા કોઈ પણ અનુભવ કરતાં મૌનનો અનુભવ ઘણો ગહન અને સઘન હોય છે અને ધીરે ધીરે ગુરુ કે ઉપદેશકના શબ્દ સાથે એકતાલ અનુભવતું શ્રોતાનું ચિત્ત એમના મૌન સાથે એકલીન બની જાય છે.
કુમારપાળ દેસાઈ
12-7-2026 જાણ્યું છતાં અજાણ્યું