આખુંય વિશ્વ જાણે યુદ્ધની પરિસ્થિતિથી ઘેરાઈ ગયું છે. એક જમાનામાં બે પ્રકારનો સમય હતો. એક યુદ્ધનો અને બીજો શાંતિનો. એ પછી શાંતિની પરિસ્થિતિએ વિદાય લીધી અને માત્ર યુદ્ધ અને યુદ્ધની તૈયારીઓ એમ બે જ સમય રહ્યા. હવે આજે જગતમાં એક જ સમય રહ્યો છે અને તે સતત યુદ્ધનો. રશિયા યુક્રેન પર બોંબ નાખ્યા જ કરે છે, તો વળી ઇઝરાયેલ ગાઝા અને ઈરાન પર આતંક વરસાવે છે. બીજા દેશોમાં ચાલતા ગૃહયુદ્ધોની તો વાત જ ક્યાં કરવી ! ખૂબ ઝડપથી જગત આખું યુદ્ધની સ્થિતિથી ઘેરાઈ રહ્યું છે, પણ ભાગ્યે જ કોઈ યુદ્ધનું મુખ્ય અને મૂળ કારણ વિચારતું હોય છે.
યુદ્ધનાં કારણોમાં પણ કેવું પરિવર્તન આવ્યું છે ! રામાયણનું રામ- રાવણનું એ શુભ અને અશુભ વચ્ચેનું યુદ્ધ હતું. મહાભારતનું એક જ કુળના ભાઈઓનું સામસામેનું યુદ્ધ એ રાજ્યપ્રાપ્તિ માટેનું યુદ્ધ હતું અને પછી તો ઇતિહાસમાં આપણે કોઈ વિશ્વ વિજેતા બનવાની લાલસાથી, કોઈ સુંદરી કે સંપત્તિ હાંસલ કરવા માટે અને કોઈ વિરોધી દેશને પાઠ ભણાવવા માટે યુદ્ધો સર્જાતા રહ્યા. હિરોશિમા અને નાગાસાકી પર નખાયેલાં એટમબોંબના વિનાશ પછી માનવજાતને ૫૨માણુશસ્ત્રો તરફ નફરત જાગવી જોઈએ, એને બદલે આજે બોંબ અને અણુબોંબ એ રોજેરોજ ખેલવામાં આવતા મહાસત્તાઓના રમકડાં જેવા બની ગયા છે.
એક સમયે ધરતી પર યુદ્ધ ખેલાતું હતું, ત્યારબાદ આકાશી યુદ્ધ શરૂ થયું અને હવે તો છેક પાતાળ લગી માણસની પ્રાપ્તિની ભૂખ પહોંચી ગઈ છે. આજે જગતમાં જે યુદ્ધો થાય છે, તેનું મુખ્ય કારણ વેપાર બની ગયું છે. કોઈ દેશને સજા ફટકારવા ટેરિફ ટેરર’ની ચાબુક લગાવાય છે. ભારતમાં બ્રિટનની ઈસ્ટ ઇન્ડિયા કંપની વેપારીના લિબાશમાં આવી અને વેપારના દાવપેચો ખેલીને ધીરે ધીરે વિશાળ ભારતને એણે એનું ગુલામ બનાવી દીધું.
આજના વર્તમાન સમયમાં ‘જીઓપોલિટિક્સ’ શબ્દ વારંવાર સાંભળવા મળશે અને એનું કા૨ણ એ છે કે શક્તિશાળી દેશો હવે ધરતીની ભીતરમાં રહેલા અલભ્ય ખનીજો પર પોતાનો પ્રભાવ પાથ૨વા માગે છે. હવે યુદ્ધ એ ઓઇલ માટે થાય છે અને આજે ડોનાલ્ડ ટ્રમ્પ ભારતને રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ન ખરીદવા માટે ધમકી આપતું રહે છે. અમેરિકાએ વેનેઝુએલા ૫૨ પ્રભુત્વ મેળવીને પહેલું કામ એના પ્રમુખને બંદી બનાવવાનું કર્યું, તો બીજું કામ એના ખનીજતેલના કૂવાઓ પર પ્રભુત્વ મેળવવાનું કર્યું.
વિવિધ દેશોમાં ખનીજતેલના કૂવા ખોદીને એની રોયલ્ટી મેળવવા માટે વિકસિત દેશો સામ, દામ, દંડ, ભેદ અજમાવી રહ્યા છે. બીજી બાજુ વિકાસશીલ દેશોએ પણ વિકાસ સાધવા માટે એ દેશોનું ક્રૂડ મેળવીને પોતાની રિફાઈનરીમાંથી નીકળેલા કચરાને આધારે અનેક ઉદ્યોગો ઊભા કર્યાં છે. આ સંદર્ભમાં વિશ્વકોશ સંસ્થાના ભૂગોળશાસ્ત્રના તજ્જ્ઞા શ્રી નીતિન કોઠારીએ દર્શાવેલા કેટલાંક મહત્ત્વનાં વિચારો જોઈએ. તેઓ કહે છે કે, ‘સમય અને સંજોગો બદલાતા ભૂ-રાજકારણનાં નવા આયામો પણ ઊભા થાય છે અને આવો નવો આયામ તે અલભ્ય ખનીજો છે.’
આ અલભ્ય ખનીજોનો આવિષ્કાર ૧૭૮૭માં સ્વીડનના લશ્કરી અધિકારી લેફ. કર્નલ એક્સેલ અરેન્યુસે કર્યો હતો. જે ખનીજ ‘ગેડોલિનાઇટ’ છે. ત્યારબાદ ૧૮૦૩માં જર્મનીના જ્હોન જેકોબે અલભ્ય ખનીજ સીરિયમની શોધ કરી હતી. આમ ક્રમશ: આ અલભ્ય ખનીજો શોધાતી ગઈ. આ મુખ્ય ખનીજોમાં નિઓડીમિયમ, સીરિયમ, લાન્થાન્યુમ, ઈટર્બિયમ, પ્રાસોડિમિયમ, સમારિયમ અને પ્રોમેથિયમ છે. આ સિવાય અન્ય ખનીજોમાં સ્પેન્ડિયમ, ડિસ્પ્રોસિયમ, ટર્બિયમ, યુરોપિયમ અને કોબાલ્ટ છે, પરંતુ સૌથી અલભ્ય ખનીજ ‘ક્યાથુઆઇટ’ (Kyawthuite) ગણાય છે. વિશ્વમાં આ અલભ્ય ખનીજોનો ભંડાર આશરે ૧૩૦ મિલિયન ટન હોવાનો અંદાજ છે.
આજે તો વિશ્વના મોટા ભાગના દેશો સમયને અનુરૂપ થવા માટે અલભ્ય ખનીજો મેળવવા પ્રયત્ન કરી રહ્યા છે, જેમાં વિશ્વની મહાસત્તા અમેરિકાએ પણ ભવિષ્યને લક્ષમાં રાખીને અલભ્ય ખનીજો મેળવવા રાજકીય આટાપાટા કરવા મજબૂર થવું પડયું છે. જેમકે ચીન પાસેથી અલભ્ય ખનીજો મેળવવા માટે તેને જાહેર કરેલ ટેરિફની ટકાવારીમાં ઘટાડો કરવો પડયો છે.
આજે વિશ્વ રાજકારણમાં ચીન એ વધુને વધુ શક્તિશાળી બનતું જાય છે, એનું કારણ એની પાસે રહેલો આ અલભ્ય ખનીજોનો જથ્થો છે. એમાં ઓછું હોય તેમ એ સૌથી વધુ જથ્થો ધરાવતું હોવા છતાં બીજા દેશોનો અલભ્ય ખનીજોનો જથ્થો હાંસલ કરવા માટે જાતજાતનાં દાવ-પેચ અજમાવે છે. જગતનાં અલભ્ય ખનીજો મેળવવા માટે ચીન બીજા દેશો પર કાગનાં ડોળે નજ૨ રાખી રહ્યું છે અને એ દેશોને સહાયના બદલામાં આ ખનીજો મેળવવાનો વેપાર કરી રહ્યું છે.
ચીનની ઉત્તરે આવેલા મોંગોલિયા દેશનાં અંતરિયાળ ભાગમાં રહેલા અલભ્ય ખનીજો મેળવવા ફૂટનીતિજ્ઞ ચીન ભારે ધમપછાડા કરી રહ્યું છે. તો બીજી બાજુ બૌદ્ધ સંસ્કૃતિના પ્રચાર-પ્રસારનો ચહેરો લઈને ચીન મ્યાનમારના મોગોક પ્રદેશમાં સંગ્રહાયેલી અમૂલ્ય ખનીજ મેળવવા માટે જાળ પાથરી રહ્યું છે. આજે વિશ્વનાં ૧૯૫ દેશોમાંથી માત્ર ૩૬ દેશો જ આવા અલભ્ય ખનીજો ધરાવે છે. એમાં પણ અડધોઅડધ દેશો પાસે તો બે ટકાથી પણ ઓછા આ ખનીજો છે. પાકિસ્તાન કે મ્યાનમાર પાસે આનો થોડો ઘણો જથ્થો મળે છે, પરંતુ બાંગ્લાદેશ, ભૂતાન કે માલદીવ પાસે નહીંવત્ પ્રમાણમાં ખનીજો પ્રાપ્ત થાય છે.
આ દુનિયા આખી લડી રહી છે અલભ્ય ખનીજોને માટે એનું કારણ શું ? એનું કારણ એ છે કે આ ખનીજોનો ઉપયોગ ઇલેક્ટ્રોનિક્સ, ડ્રોન, રોબોટ્સ, સ્માર્ટફોન, ઇલેક્ટ્રિક વાહનો, બેટરી, LED લાઇટ, અણુભઠ્ઠી, સેન્સર્સ, યુદ્ધજહાજો, ઉપગ્રહો, વિમાન, યંત્રો, પવનચક્કીઓ, શક્તિને પુન:ઉપયોગી બનાવવા દવાઓ અને ખાદ્યપ્રક્રમણોના ઉદ્યોગોમાં થાય છે. એની વિગતવાર વાત તો પછી જોઈશું, પણ એ પહેલાં આ અલભ્ય ખનીજોનો જથ્થો સૌથી વધારે હોય એવા દસ દેશો તરફ નજર કરીએ. પહેલા દસ દેશોમાં ચીન (૪૪ મિલિયન ટન), બ્રાઝિલ (૨૧ મિલિયન ટન), ભારત (૬.૯ મિલિયન ટન), ઓસ્ટ્રેલિયા (૫.૭ મિલિયન ટન), રશિયા (૩.૮ મિલિયન ટન), વિયેટનામ (૩.૫ મિલિયન ટન), યુ.એસ. (૧.૯ મિલિયન ટન), કેનેડા (૧.૫ મિલિયન ટન) અને ટાન્ઝાનિયા (૧.૦૦ મિલિયન ટન) છે.
૧૮૫૯માં યુ.એસ.માં થયેલી ‘ખનીજતેલ’ની શોધ જે પશ્ચિમ અને મધ્ય એશિયાના દેશો માટે આશીર્વાદરૂપ બની. વિકસિત દેશોએ વિવિધ દેશોમાં ખનીજતેલના કૂવા ખોદીને ‘રોયલ્ટી’ મેળવવા ટેકનોલોજી, કૂટનીતિ, શસ્ત્રો, ખાદ્યસામગ્રી વગેરેને પ્રાધાન્ય આપ્યું હતું. જ્યારે વિકાસશીલ દેશોએ પણ વિકાસ સાધવા માટે તે દેશોનું ક્રૂડ મેળવીને પોતાની રિફાઈનરીમાંથી નીકળેલા કચરાને આધારે અનેક ઉદ્યોગો ઊભા કર્યા છે.
આ અલભ્ય ખનીજોનો મહત્તમ ઉપયોગ તો છ પ્રકારનાં સાધનો બનાવવા માટે થાય છે. એમાં સોલર પેનલો, વીજળીથી ચાલતાં પરિવહનનાં સાધનો, પવનચક્કીઓ, શક્તિનો સંગ્રહ કરવાનાં સાધનો, મિશ્ર ખનીજો બનાવવા અને હાઇડ્રોજનનો ઉપયોગ કરવાના સાધનો માટે થાય છે. આ બધામાં સંરક્ષણ માટેનાં શસ્ત્રો અને સાધનો તેમજ વાહનવ્યવહારના સાધનો માટે તેનો ઉપયોગ અધિક થાય છે. એનું કારણ એ છે કે ઇલેક્ટ્રોનિક્સ ચીજવસ્તુઓ, શક્તિને પુન: ઉપયોગમાં લઈ શકાય છે. વળી આનો ઉપયોગ દવાઓ, સૌંદર્યપ્રસાધનો તેમજ ખેતીનાં સાધનો માટે પણ થાય છે.
જરા આ ખનીજો અને એના ઉપયોગ પર સહેજ નજર કરી લઈએ, નિઓડિયમ ખનીજનો ઉપયોગ ઇલેક્ટ્રિક વાહનો, પવનચક્કીઓ, હેડફોન, દવાઓ, રતાશ કે પીળા રંગનાં કાચ બનાવવા માટે, વેલ્ડીંગના કાચમાં વધુ ઉપયોગ થાય છે. જ્યારે સીરિયમ ધાતુનો ઉપયોગ જાણીને તો તમને સાચે જ આશ્ચર્ય થશે કે એક ખનીજનો આટલો બધો ઉપયોગ !
આ ખનીજનો મહત્તમ ઉપયોગ સીરિયમ ઓક્સાઇડ બનાવવા માટે થાય છે. ડીઝલમાં તેને ઉમેરવાથી ડીઝલના અણુઓ ઓછા ઉત્પન્ન થાય છે, કાચને પોલિશ કરવા માટે એટલે કે અલ્ટ્રાવાયોલેટ રેડિએશન માટે, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને પોલાદ બનાવવા માટે, લાઇટર બનાવવા માટે ટેલિવિઝન, ફ્લોરોસેન્ટ દીવા બનાવવા, તેમજ દાઝી ગયેલા દર્દીઓને ઇન્ફેક્શન ન લાગે તેવા મલમ બનાવવામાં થાય છે.
જ્યારે લાન્થાન્યુમ ખનીજ વક્રીભવન કાચ બનાવવા, ઇલેક્ટ્રીક વાહનોની બેટરી બનાવવા, તેલ શુદ્ધિકરણના એકમોમાં, લોખંડની મજબૂતાઈ માટે, વીજળીના સાધનો બનાવવા, પાણીમાંથી ફોસ્ફેટના તત્ત્વો દૂર કરવા, કીડનીના દર્દીઓની દવા માટે વધુ ઉપયોગી બને છે.
આવી જ રીતે લાન્થાન્યુમ, પેસોડિયમ, સમારિયમ, ડાયસ્પોસિયમ, ગેડોલીનિયમ, ટર્બિયમ, યુરોપિયમ, સ્પેન્ડિયમ, ડિસ્પ્રોસિયમ, કોબાલ્ટ, ક્વાથુઆઇટ જેવા ખનીજોના અનેકવિધ ઉપયોગો છે. આની ઉપયોગીતાને કારણે તો તાજેતરમાં ભારતે એના બજેટ સમયે રે૨ અર્થ કોરિડોર’ની ચાર રાજ્યોમાં સ્થાપના કરી. સેમિ કન્ડક્ટર માટે એક હજાર કરોડની ૨કમ ફાળવી અને એ રીતે આ ભૂગર્ભ ખનીજોનો મહિમા કેટલો છે એનો આપણને પણ હવે પૂરેપૂરો ખ્યાલ આવી ગયો.
કુમારપાળ દેસાઈ
8-2-2026 પારિજાતનો પરિસંવાદ