આ છે ત્રીજા નેત્રની પ્રસાદી !

કોઈ ગ્રંથનું સર્જન અધ્યાત્મની આખી દિશા પલટી નાખે છે. આવા એક ગ્રંથની રચના વિ. સં. ૧૯૫૨ના આસો વદ એકમના દિવસે નડિયાદની ધરતી પર થઈ. એ દિવસે આત્મસિદ્ધિશાસ્ત્ર દ્વારા શ્રીમદ્ રાજચંદ્ર આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટેનું ઉપનિષદ આપે છે. આગામી મંગળવારનો આસો વદ એકમનો દિવસ એટલે ‘શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર’ના પ્રાગટ્યનો પાવન દિવસ. ‘શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર’માં આત્મઅનુભવ, આત્મપ્રતીતિ અને આત્માનંદ એ ત્રણેયનો અનુપમ સમન્વય થયો છે. એની એકસો બેતાલીસ ગાથામાં ષડ્દર્શનને આવરી લીધું છે. એટલું જ નહીં, પણ ધર્મની વર્તમાન સ્થિતિ અને એ વિષયમાં પ્રવર્તતી આશંકાઓ પણ એમણે સહજમાં વ્યક્ત કરી છે.

જિજ્ઞાસા એ ધર્મની ગંગોત્રી છે. એ ગંગોત્રીમાંથી જ્ઞાનની ગંગા પ્રવાહિત થાય છે. પ્રત્યેક ધર્મમાં પ્રશ્નોત્તરી દ્વારા આધ્યાત્મિક માર્ગદર્શન આપવામાં આવ્યું છે. ભગવાન મહાવીર અને ગુરુ ગૌતમસ્વામી, શ્રીકૃષ્ણ અને અર્જુન, ભગવાન બુદ્ધ અને ભિખ્ખુ આનંદ તથા ઈસુખ્રિસ્ત અને એમનાં શિષ્યો દ્વારા પૂછાતા પ્રશ્નો મળે છે, પરંતુ આવી પ્રશ્નોત્તરીની બાબતમાં જૈનદર્શનમાં એક આગવી પ્રણાલિકા જોવા મળે છે. જેમાં ઉત્તર આપનાર જ પ્રશ્ન પ્રસ્તુત કરે છે અને એ જ એનું નિરાકરણ આપે. આનું કારણ એ કે એ જ્ઞાનીનાં જ્ઞાનમાં સામેની વ્યક્તિને સતત કનડતો સંશય કે મનમાં રહેલો મહાપ્રશ્ન આવી જતો હોય છે અને તેથી એ જ્ઞાની જ પ્રશ્નને રજૂ કરે છે અને એનો ઉત્તર પણ એ સ્વયં આપે છે.

ભગવાન મહાવીરે આ રીતે અગિયાર વિદ્વાન ગણધરોનાં સંશયનું નિરાકરણ બંને કર્યું હતું અને એ જ પ્રકારનું આલેખન ‘આત્મસિદ્ધિશાસ્ત્ર’માં થયું છે. અહીં આ ગ્રંથમાં છ શંકાઓ દર્શાવી છે અને એની સાથોસાથ એ શંકાઓનું સમાધાન પણ આપ્યું છે. એક અર્થમાં કહીએ તો, આ ગ્રંથિઓને છોડી આપનારો ગ્રંથ છે. મનની ઘણી ગાંઠોને અધ્યાત્મથી ઉકેલી આપે છે. કરુણા, કવિતા અને કલ્યાણનો ત્રિવેણીસંગમ અહીં સધાયો છે. કરુણા એટલે સમગ્ર માનવજાતિ અને પૃથ્વી પરની અન્ય જાતિઓ પ્રત્યેની કરુણા. કલ્યાણ એટલે સર્વધર્મસમભાવ નહીં, પણ સર્વ જીવ સમભાવ અને કવિતા એટલે હોઠ પર ૨મે, હૃદયમાં એનો ગુંજા૨વ થાય અને આત્મામાં એ ખીલવા લાગે. ‘શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર’ એ અર્થમાં આત્માની અમૃત કલા છે.

અહીં કોઈ મતાગ્રહ, પક્ષપાત કે કષાયનું ખંડન-મંડન નથી, પરંતુ આત્માના માર્ગ પર પથરાયેલું સત્યનું અજવાળું જોવા મળે છે. વળી અન્ય ગ્રંથોની માફક અહીં વર્ણનો કે દૃષ્ટાંતો જોવા મળતા નથી, તો બીજી બાજુ સૈદ્ધાંતિક તાત્વિક ગ્રંથ જેવી કઠિનતા પણ જોવા મળતી નથી. બલ્કે એક સહજતાનો અનુભવ થાય છે.

આસો વદ એકમના દિવસે શ્રીમદ્ રાજચંદ્ર સંધ્યા સમયે બહારથી આવ્યા અને પોતાની સાથે રહેલા મહામુમુક્ષુ શ્રી અંબાલાલભાઈને ફાનસ ધરીને ઊભા રહેવાનું કહ્યું. એ પછી મેજ પર રાખેલા કાગળો પર એમણે ‘આત્મસિદ્ધિશાસ્ત્ર’નું લેખન કર્યું. કોઈ અનુપમ પ્રેરણાનો સ્રોત વહેવા લાગ્યો, ગહન જ્ઞાનનું ઝરણું અસ્ખલિત રૂપે અક્ષર આકારે પ્રગટવા લાગ્યું. જાણે ઉર્ઘ્વ આઘ્યાત્મિક ભાવરૂપી કલમથી, ગહનચિંતનનાં નવનીતરૂપ શાહીથી આતમને જગાડનારી અને ઓળખાવનારી કાવ્યપંક્તિઓ પ્રગટ થવા લાગી. આવા ગહન-આધ્યાત્મિક કાવ્યની રચના તો ઘણો લાંબો સમય માંગી લે, પણ શ્રીમદ્ રાજચંદ્રએ માત્ર દોઢ કલાક જેટલાં ટૂંકા સમયમાં અને એક જ બેઠકે આ મહાન શાસ્ત્રનું
સર્જન કર્યું.

૧૪૨ દોહરામાં સરળ, મધુર ભાષામાં આત્મતત્ત્વના યથાર્થ સ્વરૂપનું આમાં યથાર્થ નિરૂપણ મળે છે, જે સમય જતાં મુમુક્ષુના હૃદયની અમૃતવેલ બની જાય છે.
જુઓ ! અધ્યાત્મપથના યાત્રીઓ આ ગ્રંથને કેવાં કેવાં વિશેષણોથી નવાજે છે. કોઈ એને અનાદિ મોહનિંદ્રામાંથી જગાડનાર કહે છે, તો કોઈ વિસારી મુકેલા આત્મજ્ઞાનનું સ્મરણ કરાવનાર કહે છે, કોઈ મોહાસ્ત્રને બ્રહ્માસ્ત્રથી પરાજિત કરવાનું રહસ્ય દર્શાવનાર પરમ પવિત્ર, નિર્મળ અને નિર્દોષ શાસ્ત્ર કહે છે, તો કોઈ અંતર્ધાન થઈ ગયેલાં આત્માને પ્રગટ કરનાર મહાગ્રંથ કહે છે.

‘શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર’ વિશેનાં આ વચનો એ માત્ર વાક્યો નથી, પરંતુ એમાં સાધકના શ્વાસરૂપ અનુભૂતિઓ છે. આ આત્મસિદ્ધિશાસ્ત્ર એ ‘ત્રીજા નેત્રની પ્રસાદી’ છે. કોઈ શાસ્ત્રગ્રંથમાં ૨જૂ થયેલા તર્કને ટેકાની જરૂર પડે, જ્યારે આ ગ્રંથમાં પ્રગટેલા આત્માનુભવને કોઈ આધારની જરૂર નથી. કવિતા અને અધ્યાત્મ બંને અહીં એકરૂપ થઈ ગયા છે અને તેથી અંતરની ઊર્ઘ્વ ઊર્મિ આત્મજ્ઞાનના શિખર પર પલાંઠી લગાવીને અહીં અધ્યાત્મનો અર્ક આપે છે. તેઓ લખે છે :

જબ જાન્યો નિજરૂપકો, તબ જાન્યો સબ લોક;
નહિ જાન્યો નિજરૂપકો, સબ જાન્યો સો ફોક.

સહેજ ઊંડું ચિંતન કરીએ તો ખ્યાલ આવશે કે જ્ઞાની પુરુષની કરુણા બે પ્રકારે વહેતી હોય છે. એક કરુણા બહિર્મુખ હોય છે અને બીજી કરૂણા અંતર્મુખ બહિર્મુખ કરૂણા એ જગતમાં આધિ, વ્યાધિ, ઉપાધિથી ઘેરાયેલા માનવીઓને પીડામાંથી મુક્ત કરવાનું કામ કરે છે. અંતર્મુખ કરુણા એ એવી કરુણા હોય છે કે જેનો અનુબંધ આત્મા સાથે હોય છે. એક કરુણાને શરીરને લક્ષમાં રાખવામાં આવે છે. જ્યારે અહીં દેહાતીત અવસ્થાનો વિચા૨ ક૨વામાં આવે છે. કર્મરહિત થયા વિના દેહરહિત થવાતું નથી. અને કર્મરહિત તો જ થવાય જો રાગદ્વેષ રહિત થવાય.

આમ આત્મસિદ્ધિશાસ્ત્ર એ દેહહિતની નહીં, પણ આત્મહિતની વાત કરે છે. જેને માત્ર આત્મહિત જ ખપે છે, એ તરફ લક્ષ્ય કરે છે તેને માટે આ કૃતિ ઉપયોગી છે. વ્યક્તિ જીવનમાં ભિન્ન ભિન્ન પ્રયોજનથી કાર્ય કરતી હોય છે, એ પુત્રેષણા, લોકેષણા કે વિત્તેષણાથી ઘેરાયેલી હોય છે. આવી રીતે સત્તા, સંપત્તિ કે સુખની પાછળ દોડતી હોય તેવી વ્યક્તિઓને જેમાં સ્વહિત દેખાય છે તેને માટે આત્મસિદ્ધિ નથી. આ આત્મસિદ્ધિ એ તો જે આત્મહિતનું ચિંતન કરે છે, તેને માટે છે.

આવી આત્મશુદ્ધિને આત્મસાત કરવા માટે પહેલી શરત આત્માર્થી બનવાની છે. આત્મહિત દ્વારા માનવહિત જોનારા જ્ઞાનીપુરુષો એ માત્ર પોતાની આત્મસમાધિમાં રમમાણ રહેતા હોય છે. એમને સંસારમાં આવવાની પણ આવશ્યકતા હોતી નથી. મૌન, એકાંત અને સર્વસંગ પરિત્યાગમાં એ ડૂબેલા હોય છે પરંતુ કોઈ મુમુક્ષુ જીવ હોય તો એનું કલ્યાણ કરવાના હેતુથી આવા જ્ઞાનીપુરુષો આવું સર્જનકાર્ય કરતા હોય છે. ધ્યાન, સમાધિ અને આંતરિક અવસ્થામાંથી બહાર આવીને કોઈ સત્પાત્ર હોય, તો તેનો ઉદ્ધાર કરતા હોય છે. એમાં પણ જ્યારે વીતરાગના મૂળમાર્ગ પર અનેક આવરણો આવી ગયા હોય અને ક્યાંક તો બાહ્યાડંબરના વાદળોએ મૂળ માર્ગને ઢાંકી દીધો હોય ત્યારે આવા સત્પુરુષ પોતાનું સત્યદર્શન આપે છે.

વળી બીજી બાજુ ધર્મ પર સંકુચિત સાંપ્રદાયિકતા વર્ચસ્વ જમાવીને બેઠી હોય તેવે સમયે ધર્મના મૂળ તત્ત્વોને બતાવવા અને એમાં રહેલો આત્મસત્યનો પ્રકાશ પ્રગટાવવા પ્રયત્ન કર્યો છે અને આને માટે જેઓ રાગ અને દ્વેષથી રહિત છે એવા વીતરાગની ઓળખ આપી.

આત્માની તળેટીમાંથી આત્મસિદ્ધિના શિખર સુધીની અંતર્યાત્રાનું આમાં વાત છે. પહેલી વાત છે અંતરનું આંગણું ચોખ્ખું કરવાની, પહેલું કામ છે આત્માની શુદ્ધિનું. આત્મશુદ્ધિ વિના સઘળું વ્યર્થ છે. એના વિના ભક્તિ લાગણીવેડા થઈ જાય અને યોગ વ્યાયામ થઈ જાય અને તેથી આત્મ ઓળખનાર ઉપાયો બતાવીને અહીં આત્મસિદ્ધિની પ્રક્રિયા બતાવી છે. સદેવ, સદ્ગુરુ અને સદ્ધર્મની પ્રાપ્તિ થાય તો જ મોક્ષ પ્રાપ્ત થાય.

કેવી વિરોધી લાગતી બાબતો અહીં એક સાથે નજરે પડે છે. એમાં સ૨ળતાની સાથે અર્થગહનતા છે, અધ્યાત્મ આલેખન સાથે પૂર્ણ રૂપે મધુરતા છે. આમ વિરોધી બાબતો અહીં એક સાથે જોવા મળે છે અને આજે જે અશુભ આસના, વાસનામાં ધર્મ ખૂંપી ગયો છે, ત્યારે આત્મસિદ્ધિ એ આવતીકાલને ઉજાળનારી દીવાદાંડી જ ગણાય.

25 ઓક્ટોબર, 2026 (પારિજાતનો પરિસંવાદ)

કુમારપાળ દેસાઈ

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑