ગ્રંથાલય દેવાલય ખરું, પણ એના ઉપાસકો ક્યાં છે ?

રશિયાના નવલિકાકાર અને નાટયકાર એન્ટન ચેખોવની એક નવલિકાનું સ્મરણ થાય છે. ૨૫ વર્ષના એક યુવાન વકીલ સાથે એનો યજમાન ધનિક શરત લગાવે છે કે તમે ફક્ત પંદર વર્ષ એકાંતવાસની સજા ભોગવવા તૈયાર હો, તો હું તમને વીસ લાખ રૂબલ આપીશ, પણ સાથોસાથ કહે છે કે આ તને ભારે પડી જશે આ એકાંત કેદ, પણ યુવાન એકાંત કેદની શરત સ્વીકારે છે. માત્ર એટલી મોકળાશ કે યુવાન એકાંત કેદ સમયે વાદ્યસંગીત માણી શકે, વાચન માટે પુસ્તકો રાખી શકે અને નાની બારીમાંથી જરૂરી ચીજવસ્તુઓ અને પસંદગીનું ભોજન મેળવી શકે.

ધનવાનના ઘરના વાડાની એક ઓરડીમાં કડક ચોકીપહેરા વચ્ચે પંદર વર્ષ સુધી એ ઓરડીની બહાર પગ નહીં મૂકી શકે, એમ ઠરાવવામાં આવ્યું. જો આમાં શરતનું કોઈ ઉલ્લંઘન થાય કે થોડીક મિનિટો માટે એ ઓરડી છોડે તો શરત હારી જાય.
યુવાનને એકાંતવાસનું પ્રથમ વર્ષ અત્યંત પીડાદાયક લાગ્યું, પરંતુ ધીરે ધીરે ઉત્તમ ગ્રંથોનો અભ્યાસ કર્યો. એક પછી એક ગ્રંથો વાંચતો રહ્યો, તત્ત્વજ્ઞાન, ઇતિહાસ અને વિશ્વના મહાન લેખકોની કૃતિનું અવગાહન કર્યું. તબીબી વિજ્ઞાન તેમજ પ્રાકૃતિક વિજ્ઞાનોના ગ્રંથોમાં એને ખૂબ રસ પડયો. વર્ષો વીતતાં ગયાં. બીજી બાજુ ધનવાન વિચારતો હતો કે હવે એ નક્કી વીસ લાખ રૂબલ જીતી જશે. એકાંતવાસમાં પણ એ ભવિષ્યનાં કેવાં મધુરાં સ્વપ્નો સેવતો હશે! વળી હજી તો એ ફક્ત ચાળીસ વર્ષનો છે જિંદગીની કેટલી બધી મોજ માણવાના ખ્યાલોમાં ડૂબેલો હશે, પરંતુ એણે જોયું તો શરતની સમયમર્યાદા પૂર્વે એ યુવાન ઓરડીમાં એક કાગળ મૂકીને ચાલ્યો ગયો હતો. તેમાં એણે લખ્યું હતું કે,

‘કાલે બાર વાગે મને મુક્તિ મળશે. સૂર્યપ્રકાશ અને ખુલ્લી હવાનો સંપર્ક અને લોકો મળશે, પરંતુ મેં અનુભવ્યું છે કે દુનિયા જે વસ્તુઓને ઊંચું સ્થાન આપે છે, તે સાવ તુચ્છ છે, કારણ કે કાળની એક થપાટ એને નષ્ટ કરી દે છે. પંદર વર્ષમાં મને મળેલી પુસ્તકોની દુનિયા હવે કોઈ ઝૂંટવી શકવાના નથી. એણે મને ભરપૂર જ્ઞાન અને વિવેકબુદ્ધિ આપ્યાં છે. એક સમયે મને જે સ્વર્ગીય સૃષ્ટિ ભાસતી હતી તે વીસ લાખ રૂબલ જીતવાનો મોહ પણ ચાલ્યો ગયો છે અને માટે જ નિશ્ચિત સમય કરતાં પાંચ કલાક વહેલો ઓરડી છોડી, કરારનો ભંગ કરી સ્વેચ્છાએ ચાલ્યો જાઉં.

વૃદ્ધ ધનવાને આ કાગળ વાંચીને ઊંડો નિસાસો મૂક્યો. રશિયન નવલિકાકાર એન્ટન ચેખોવની આ નવલિકા ગ્રંથવાચનનો મહિમા દર્શાવે છે. આપણે જાણીએ છીએ કે પુસ્તક એ માનવજાતિનું મગજ જ નહીં, પરંતુ એના મગજને જીવંત રાખતું લોહીનું પરિભ્રમણ છે. પુસ્તક દ્વારા વિશ્વમાં ક્રાંતિ થઈ છે અને ફ્રાંસના એન્સાઇક્લોપીડિયાએ તો જ્ઞાન પરત્વેની નવી જાગૃતિ સર્જીને એક શાંતક્રાંતિ સર્જી હતી.

‘જે ગ્રંથિમાંથી મુક્ત કરે તે ગ્રંથ’ અને એ ગ્રંથોએ માનવજાતિને કેટકેટલી ગ્રંથિમાંથી મુક્ત કરી છે. માનવીય સંવેદનાની માવજત માટે પુસ્તકો સૌથી વધુ જરૂરી છે, કારણ કે એ વિચારો આપે છે, કલ્પના આપે છે અને સર્જનાત્મકતા આપે છે. માણસોએ ગ્રંથોની રચના કરી અને એ ગ્રંથોએ માણસોને ઘડયા છે. ગ્રંથ એ ચેતનાની ખેતી કરે છે અને આઇન્સ્ટાઇન, કાર્લ માર્ક્સ કે ન્યૂટનનાં સંશોધનો આ હકીકતની સાબિતી આપે છે. ‘રામાયણ’ કે ‘શ્રીમદ્ ભગવદ્ગીતા’નો કેટલો મોટો પ્રભાવ પ્રજાજીવન પર જોવા મળે છે.
સાહિત્ય એટલે અક્ષર. ક્ષર નાશ પામે છે, પણ અક્ષર અવિનાશી હોય છે. ‘અભિજ્ઞાન શાકુન્તલ’માં શકુંતલાના સૌંદર્યનું વર્ણન મળે છે. આજે શકુંતલા નથી, પરંતુ અક્ષરમાં આલેખાયેલી શકુંતલાનું સૌંદર્ય અ-ક્ષર રહ્યું છે. આમ ગ્રંથો દ્વારા પ્રજાજીવનમાં જ્ઞાન, વિજ્ઞાન, સર્જનાત્મકતા એ સઘળું ઊગે છે. આથી એક ઉર્દૂ શાયરે કહ્યું છે,

ખજાના ઇલ્મો હિકમત કા નહીં હોતા તો ક્યા હોતા
જૂનું હી કે ભરોસે યે, જહાં હોતા તો ક્યા હોતા
‘જ્ઞાનવિજ્ઞાનનો ખજાનો આપણને પ્રાપ્ત થયો ન હોત તો શું થાત? તો દુનિયા પાગલોના ભરોસે ચાલતી હોત.’

બિલ ગેટ્સ અને માર્ક ઝકરબર્ગ બંને પોતાના સંશોધનક્ષેત્રમાં નિષ્ણાત. એક માઇક્રોસોફ્ટમાં નિષ્ણાત અને બીજા ફેસબુકમાં, પરંતુ આ બંને મહાનુભાવો એક બાબતમાં સહમત હતા કે હાર્વર્ડ વિશ્વવિદ્યાલયના પ્રાધ્યાપક અને વિશ્વના સૌથી વધુ પ્રભાવશાળી બૌદ્ધિક સ્ટીવેન પિંકરનું ૮૨૨ પૃષ્ઠનું દળદાર પુસ્તક ‘The Better Angels of Our Nature & Why Violence Has Declined’ સહુએ વાંચવું જોઈએ. આ પુસ્તકમાં સ્ટીવેન પિંકરે વિશ્વમાં લાંબા ગાળે અને ટૂંકા સમયમાં કઈ રીતે હિંસા ઘટતી રહી છે, તે દાખલા-દલીલ સહિત સમજાવ્યું છે.

બિલ ગેટ્સ માટે એમ કહેવાય છે કે તેઓ રોજ રાત્રે નિયમિત રીતે એક કલાક પુસ્તક વાંચે છે અને એક અઠવાડિયામાં એક આખું પુસ્તક પૂરું કરી દે છે, તો બીજી બાજુ ઝકરબર્ગે ૨૦૧૫માં નવા વર્ષે સંકલ્પ લીધો હતો કે તેઓ દર મહિને બે પુસ્તકો અવશ્ય વાંચશે.
વર્લ્ડ બેંકના પ્રમુખે એમ કહ્યું હતું કે, ‘દુનિયા આખી ઇંગ્લેન્ડની દેવાદાર છે, ઋણી છે. એનું કારણ એ કે ઇંગ્લેન્ડે નાટયકાર શેક્સપિયર આપ્યો છે. ઇજિપ્તમાં તો કહેવત છે કે ‘પુસ્તકો તો આત્માની ઔષધિ છે અને તે આપનારો ગ્રંથપાલ આત્માનો ડૉક્ટર છે.’ આમ છતાં વાસ્તવિકતા એ છે કે વાંચન સતત ઓસરતું જાય છે અને ગ્રંથાલયો ને મુલાકાતીઓ ઘટતા જાય છે. પરિણામે ગ્રંથગરિમાની વાતો ધીરે ધીરે જાણે ભૂતકાળની સ્મૃતિઓ બની રહી છે. ગ્રંથવાચન અને ગ્રંથાલયનો સુવર્ણકાળ જાણે વીતી ગયો છે. ગ્રંથાલયોને સરકારી સહાય મળે છે, પરંતુ એ આ ગ્રંથાલયોને ટટ્ટાર ઊભા રહેવા માટે પૂરતી હોતી નથી. એટલે કે એક જમાનામાં ગ્રંથાલય દેવાલય ગણાતું હતું, આજે એ દેવાલય છે, પણ ઉપાસકો ક્યાંય નજરે પડતા નથી. અને ધીરે ધીરે કમ્પ્યૂટર અને મોબાઇલ પર સઘળું હાથવગું થતું જાય છે. કોન્ડલ અને ઇ-બુકનો ઉપયોગ વધી રહ્યો છે. બીજી બાજુ સોશિયલ મીડિયાનો પ્રભાવ એટલો વધતો જાય છે કે માણસ સમાજથી વિખૂટો પડી માત્ર મોબાઇલ પર સોશિયલ બનીને રહી ગયા છે.

છેલ્લા બે દાયકામાં સાર્વજનિક ગ્રંથાલયોની અત્યંત વિપરીત પરિસ્થિતિ છે. વીસમી સદીના મધ્યભાગમાં દેશમાં ૫૪,૮૫૬ જેટલાં સાર્વજનિક ગ્રંથાલયો કાર્યરત હતાં. એમાંથી આજે અઢાર હજારથી વધુ સાર્વજનિક ગ્રંથાલયો તો અદ્રશ્ય થઈ ગયાં છે. આ અદ્રશ્ય થઈ ગયેલાં ગ્રંથાલયોની શોધ કરીએ તો ક્યાંક એમાંથી સરકારી કચેરી મળે છે, તો ક્યાંક કોઈક જ્ઞાતિની વાડી મળે છે. એ હકીકત છે કે કોવિડના સમયે લોકો મોબાઇલ પર નિર્ભર હોવાથી એમની વાચનની ટેવ ધીરે ધીરે વિદાય લેવા માંડી અને પરિણામે સાર્વજનિક ગ્રંથાલયોના વાચકોની સંખ્યાઓમાં ઘણો ઘટાડો થયો. કોલેજમાં ગ્રંથાલયો, જુદાં જુદાં મંદિરો દ્વારા ચાલતાં ગ્રંથાલયો, જ્ઞાનભંડારો આ બધા ઉપર એક પ્રકારે કુઠારાઘાત થયો અને લોકો જ્ઞાન માટે સોશિયલ મીડિયા પર આધારિત બની ગયા.
આનો સૌથી વધુ દુષ્પ્રભાવ આપણા ગ્રામીણ વર્ગ પર પડયો. ગ્રામીણ વર્ગ ગ્રંથોને વિદાય આપીને માત્ર મોબાઇલને આધારે રહેવા લાગ્યો અને એ મોબાઇલના અતિ ઉપયોગે વાચનની ટેવનો શિરચ્છેદ કરી નાખ્યો. એવું પણ બન્યું કે ભારતનાં ગામડાંઓમાં જે ગરીબો પાસે શાળાનું વિશેષ શિક્ષણ મેળવવું શક્ય નહોતું, તેમની પાસેથી પુસ્તકો ઝૂંટવાઈ જતાં સમાજને ઘણી મોટી હાનિ થઈ છે અને લાઇબ્રેરી બંધ થતાં પુસ્તકોએ વિદાય લીધી અને હવે એની પાછળ સવારનું અખબાર પણ ધીરે ધીરે વિદાય લઈ રહ્યું છે.

આનાં ગંભીર પરિણામો વિશે થોડો વિચાર કરવાની જરૂર છે. હાર્વર્ડ યુનિવર્સિટીના અધ્યાપક ડૉ. વિનય જૈન ઉચ્ચશિક્ષણ લેતા પોતાના વિદ્યાર્થીઓ પાસે એવો આગ્રહ રાખે છે કે એમણે રોજ વીસેક વાક્યો લખીને લાવવાં. વાંચનની ટેવ એ એકાગ્રતાની સાધના માટે જરૂરી માને છે. નિયમિત ગ્રંથવાંચન વ્યક્તિનાં ભાષા-કૌશલ, તર્કશક્તિ અને આઈ.ક્યૂ. વગેરેમાં ઘણું લાભદાયી બને છે અને તેને પરિણામે કોઈ ગ્રંથાલય વિદાય લે છે, ત્યારે કોઈ ઇમારત જ બંધ થતી નથી, પરંતુ આપણી આવનારી પેઢીની બૌદ્ધિક ક્ષમતા અને ચિત્તની એકાગ્રતા પર એક પ્રકા૨નો સામૂહિક કાપ આવે છે. આ અંગે કોઈ ગંભીરતાથી વિચારશે ખરું?

18 ઓક્ટોબર, 2026 (પારિજાતનો પરિસંવાદ)

કુમારપાળ દેસાઈ

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑