શ્રી ભક્તામર સ્તોત્રની પ્રથમ ગાથામાં આદિનાથ ભગવાનના ચરણયુગલને પ્રણામ કરવામાં આવ્યા છે. મનુષ્યજાતિના ઇતિહાસમાં આદિ રાજા, ત્યાગી અને ધર્મસ્થાપન કરનાર આદિનાથ ભગવાન છે, આથી જ આચાર્ય માનતુંગસૂરિજીએ મસ્તકને બદલે ચરણયુગલને પ્રણામ કરીને સ્તોત્રનો પ્રારંભ કર્યો છે. આ ચરણયુગલ કેવાં છે ? એ ચરણયુગલ માટે એમણે ત્રણ વિશેષણો પ્રયોજ્યા છે. એ ત્રણે વિશેષણો શ્રી આદિનાથ પ્રભુના મહિમાની સાથોસાથ એમની ઉપાસનાથી થતા ધર્મ-લાભને માર્મિક રીતે પ્રગટ કર્યો છે.
૧) આ ચરણયુગલ એવાં છે કે જેને ભક્તદેવોએ સ્વયં પોતાનું મસ્તક અત્યંત ભાવપૂર્વક નમાવીને પ્રણામ કર્યા છે. (૨) આ ચરણયુગલ એવાં છે કે જે પાપરૂપી અંધકારના નાશક છે. (૩) આ ચરણયુગલ એવાં છે કે જે સંસારરૂપી સાગરમાં ડૂબી રહેલાં મનુષ્યોને માટે ઉગારનારા-આલંબનરૂપ છે.
પાપના અંધકારનો નાશ કરવાની સાથોસાથ આ ચરણયુગલની ઉપાસના માનવીના ધર્મમય જીવનને માટે આલંબનરૂપ બને છે. એક બાજુ એ દુરિતનાં નાશક છે, તો બીજી બાજુ એ સદ્ના પ્રેરક છે. અનિષ્ટનો નાશ કરીને અટકી જનારા નથી, પરંતુ ઇષ્ટને માર્ગે દોરનાર પણ છે, અને તેથી પાપનાશ થયા બાદ એમનું આલંબન લેવાથી સંસારસમુદ્ર તરી જવાય છે અને મોક્ષસુખના અધિકારી બનાય છે.
આવાં ચરણયુગલને કઈ રીતે પ્રણામ થઈ શકે ? સ્વયં દેવો પણ એને નિત્ય નમસ્કાર કરે છે, તો માનવી શું કરે ? માનવી પણ એને સમ્યક્ પ્રણામ કરે. આનો અર્થ એવો કે જેને સ્વયં દેવો નમે તેને માનવી તો જરૂર નમે. પરંતુ આ નમનની પાછળ નકલ કરવાનો, ચીલાચાલુ માર્ગે ચાલવાનો કે અનુકરણ કરવાનો આશય નથી, પરંતુ દેવોએ જે માર્ગ અખત્યાર કર્યો છે, એ માર્ગે ચાલવાનો ભાવ છે. તેજસ્વી પરંપરાનું અનુકરણ નહીં, પણ અનુસરણ હોય છે અને એ રીતે અહીં દેવોને અનુસરીને માનવો પણ ભગવાનને નમસ્કાર કરે છે.
કેવા છે આ નમસ્કાર ? તો આચાર્ય માનતુંગસૂરીશ્વરજી વસંતતિલકા છંદમાં રચાયેલા આ કર્ણમધુર અને ભાવભરપૂર સ્તોત્રમાં એને ‘સમ્યક્ પ્રકારે’ કરેલાં નમસ્કાર કહે છે. નમસ્કાર શિષ્ટાચારથી પણ કરવામાં આવે છે. બાહ્ય આડંબરની દૃષ્ટિએ પણ થાય છે. માત્ર બીજાને દર્શાવવા માટે પણ થાય છે. ઠાલા શબ્દોથી કે રાગ-મોહથી પણ નમસ્કાર થાય છે, ત્યારે અહીં જે નમસ્કાર કર્યા છે તે ‘સમ્યક્ પ્રણમ્ય’ છે. આ સમ્યક્ પ્રણમ્ય એટલે જ્ઞાનપૂર્વક પ્રણામ કરવાનું છે અર્થાત્ આ પ્રણામ ભક્તિભાવપૂર્વક, મન, વચન, કાયાના પ્રણિધાનપૂર્વક થયેલા પ્રણામ છે. આ રીતે શ્રી આદિનાથને નમસ્કાર કઇ રીતે કરવા તે બાબત વિશે પણ સ્તુતિકારે ગહનતાથી વિચાર કર્યો છે. સમ્યગ્ દર્શન એ ભગવાનનું પરમાર્થ સ્તવન છે અને જ્યારે જ્ઞાનપૂર્વક પ્રણામ કરવામાં આવે ત્યારે સાધક એના અંતરમાં રહેલા વીતરાગભાવનો અંશ પ્રગટ કરીને પ્રણામ કરતો હોય છે.
આ પ્રસંગે સ્તોત્ર સ્તુતિ કરનારાઓએ એ વિચાર કરવો જોઈએ કે અહીં માત્ર સ્તોત્રના મંત્રનું ઉચ્ચારણ નથી, હૃદયની ઉત્કટ લાગણીનું પ્રાગટય નથી, પરંતુ મન, વચન અને કાયાના સમગ્ર અસ્તિત્વની સાથે વિચારપૂર્વક ભીતરની વૈરાગ્યતા સાથે થતું આ સ્તુતિગાન છે.
આ સ્તુતિની રચના વખતે અહંકારને ઓગાળવાની વાત છે. આચાર્ય માનતુંગસૂરિજી માત્ર ‘હું’ જ આપની સ્તુતિ કરું છું એમ કહેતા નથી. તેઓ કહે છે કે આ દેવાધિદેવ ઋષભદેવ છે અને દેવેન્દ્રોએ પણ એમની સ્તુતિ-સ્તવના કરી છે. સકળ શાસ્ત્રના સારરૂપ જે કલ્પો કહેવાયેલા છે તેનો મર્મ જાણીને નિપુણ થયેલી બુદ્ધિ વડે દેવેન્દ્રો મહાન અર્થવાળા સ્તોત્રનો ઉપયોગ કરીને જેમની સ્તુતિ-સ્તવના કરે છે, તેમની હું પણ સ્તુતિ કરીશ. આમ અહીં કર્તાના અહમ્નું નિગરણ જોવા મળે છે.
માત્ર પોતે જ સ્તુતિ કરે છે, એમ વર્ણવવાને બદલે દેવેન્દ્રોનું પોતે અનુસરણ કરી રહ્યા છે એમ કહેતાં આચાર્યશ્રીની વિનમ્રતા પ્રગટ થાય છે. આ દેવેન્દ્રોના મહિમાથી સહુ કોઈ પરિચિત છે. આ દેવેન્દ્રો એ તીર્થકર ભગવાનનાં પાંચેય જન્મકલ્યાણકોની ઉમંગભેર ઉજવણી કરે છે અને એ પ્રત્યેક કલ્યાણકના પ્રસંગે સ્તુતિસ્તોત્રો ગાય છે. આવા ઇન્દ્રો ભગવાન આદિનાથની સ્તુતિ કરતા હોય, ત્યારે એમની આગળ પોતે તો એક અલ્પજ્ઞાની છે અને એવા તેઓ સ્તુતિ કરવા ઇચ્છે છે.
કથા પ્રમાણે આચાર્ય માનતુંગસૂરિને એક ઓરડામાં પૂરવામાં આવ્યા હતા. એમના શરીરની ચારે બાજુ લોખંડની સાંકળ બાંધવામાં આવી હતી અને તેના પર તાળાં મારવામાં આવ્યાં હતાં. આવા અંધારિયા ખંડમાં પૂરાયેલા આચાર્ય માનતુંગસૂરિજીએ શ્લોકની પ્રથમ ગાથાનું ગાન કર્યું હશે ત્યારે એમના હૃદયનું ભક્તિબળ કેવું હશે તેની કલ્પના કરવા જેવી છે.
અંધકારને નાશ કરનાર આદિશ્વર ભગવાનની ભક્તિ ભવતારક છે. જેની ભક્તિથી ભવના બંધન તૂટે ત્યાં આ તાળાંની શી વિસાત ? અને એથી જ પ્રત્યેક ગાથાએ એક પછી એક તાળું તૂટતું જાય છે. ભક્તિની શક્તિથી બાહ્ય બંધનમાંથી આપોઆપ મુક્તિ મળતી જાય છે.
તીર્થકરનાં ચોત્રીસ અતિશયોમાંથી ચાર અતિશયોને સારભૂત માનવામાં આવ્યાં છે. સામાન્ય માનવીમાં ન સંભવે એનું આશ્ચર્યકારી જીવન તીર્થકર ભગવાનનું હોય છે. એમના જીવનમાં આવી ચોત્રીસ બાબતો જોવા મળે છે.’ સમવાય’ નામના જૈન આગમની બૃહત વાચના અનુસાર તિર્થકરના આ ચોત્રીસ અતિશયો મળે છે. એ પછી ‘પવયણસારુદ્વાર’ અને ‘અભિધાન ચિંતામણિ’ એ કૃતિઓમાં પણ ચોત્રીસ અતિશયોનું વર્ણન છે.
ભક્તામર સ્તોત્રના પ્રથમ શ્લોકમાં તીર્થકરના પૂજાતિશય, અપાયા-પગમાતિશય, વચનાતિશય અને જ્ઞાનાતિશય એમ ચાર અતિશયોની વાત છે. પૂજાતિશય એટલે સર્વ દ્વારા પૂજાવું તે, અપાયાપગમાતિશય એટલે તીર્થકર ભગવાન જ્યાં વિચરે ત્યાં લોકોના બાહ્ય-આભ્યંતર અપાયોનો (દુ:ખોનો) અપગમ (નાશ) થાય છે. જ્યારે વચનાતિશય એટલે સામાન્યપણે જગતમાં કોઈની ન સંભવી શકે તેવી પાંત્રીસ ગુણોવાળી સર્વોત્તમ વાણી અને જ્ઞાનાતિશય એટલે તેઓ સગતમાં સામાન્ય માનવીમાં ન સંભવી શકે એવું અદ્ભુત સંપૂર્ણ-ત્રિકાળવર્તી જ્ઞાન ધરાવતા હોય છે.
ભક્તામર સ્તોત્રના પ્રથમ શ્લોકમાં આ ચારેય અતિશયોને આચાર્યશ્રીએ ગૂંથી લીધા છે. જેમકે (૧) ભક્તામર પ્રણત મૌલિ મણિ પ્રભાણાં મુદ્યોતક- એ પદો વડે પૂજાતિશયનું સૂચન છે. (૨) ‘દલિત પાપ તમો વિતાનામ્’ એ પદ વડે અપાયાગમોતિશયનું સૂચન છે કારણકે અપાય એ પાપનું જ પરિણામ છે. (૩) ‘આલંબનં ભવજલે પતતાં જનાનામ્ એ પદો વડે વચનાતિશય અને જ્ઞાનતિશયનું સૂચન છે, કારણકે જ્ઞાની સદ્વાક્ય જ ભક્તજનોને આલંબનરૂપ બની શકે છે.
આ રીતે પ્રથમ બે શ્લોકમાં આચાર્યશ્રી આદિનાથ ભગવાનના ચરણને સમ્યક્ પ્રણામ કરીને વિનમ્રતા અને ભક્તિસંકલ્પની દૃઢતા સાથે સ્તુતિનો પ્રારંભ કરે છે.
કુમારપાળ દેસાઈ
22 ઑક્ટોબર, 2026 (આકાશની ઓળખ)