હિંસા અને હત્યાના અંધકાર વચ્ચે સ્વમાની જીવનની આશા આપતો દીપક

છેલ્લાં ત્રણ વર્ષમાં ૨૦૨૩ના મે મહિનાથી ભારતના મણિપુર રાજ્યમાં સતત બે સમુદાય વચ્ચેની હિંસા, હત્યા અને જુલમની આગ વધુને વધુ પ્રસરી રહી છે. મુખ્યત્વે તો મણિપુરના મૈતેઈ અને કુકી બે સમુદાય વચ્ચે સંઘર્ષની શરૂઆત થઈ. હવે આ બંનેની સાથે નાગા સમુદાયો પણ સામેલ થયા છે. એક બાજુ ૨૦૨૭ના ફેબ્રુઆરી-માર્ચની વિધાનસભાની ચૂંટણીઓનાં પડઘમ વાગે છે અને બીજી બાજુ મૈતેયી, કુકી અને નાગા સમુદાયો વચ્ચેની સશસ્ત્ર લોહિયાળ અથડામણો ચાલી રહી છે.

આવી હિંસક ભૂમિ પર બિનાલક્ષ્મી નેપ્રામનો જન્મ થયો હતો. એને બાળપણથી જ સશસ્ત્ર હુમલાઓ, આડેધડ થતા ગોળીબાર અને નરસંહાર જોયા. ૧૯૯૯માં એક બોમ્બ બ્લાસ્ટ થયો અને એમાં એણે એની તેર વર્ષની ભત્રીજીને ગુમાવી. આવી બિનાલક્ષ્મી નેપ્રામ હસતાં હસતાં કહે છે કે, ‘મારો જન્મ થયો ત્યારે ઇન્ફાલમાં લશ્કરે કરફયુ જાહેર કર્યો હતો. આવો કરફયુ પણ મને આ જગતમાં આવતા રોકી શક્યો નહીં.’

મણિપુરની આ દાવાનળ જેવી પરિસ્થિતિમાં બિનાલક્ષ્મી નેપ્રામ માત્ર શાંતિનો સંદેશો ફેલાવતી નથી, બલ્કે શાંતિના પ્રસ્થાપન માટે જાનનાં જોખમે રચનાત્મક કામ કરે છે. તો વળી એની કલમથી આ લેખિકા સશસ્ત્ર હિંસા, નાનાં હથિયારોની ચોરી, નરસંહાર અનુભવનારી સ્ત્રીઓની સ્થિતિ અને જરૂરી શાંતિના પ્રયાસો એ વિશે કાવ્યરચના કરે છે. એના કાવ્યનાં ચાર પુસ્તકો પ્રકાશિત થયા છે, તો એણે મણિપુરના સશસ્ત્ર સંઘર્ષ વિશેની ઐતિહાસિક નવલકથા પણ લખી છે. આ રીતે પોતાની કામગીરી અને કલમ બંનેથી બિનાલક્ષ્મી મણિપુરની વેદનાને વાચા આપે છે.

પણ મુખ્યત્વે તો હત્યા અને ગોળીબારના વાતાવરણ વચ્ચે બેસહારા મહિલાઓનાં અધિકારો માટે લડતી અડગ યોદ્ધા જેવી સામાજિક કાર્યકર છે. પોતાના જન્મ સાથે જ રાજકીય અસ્થિરતા, સશસ્ત્ર સંઘર્ષ, ઉગ્રવાદ અને સૈનિકીકરણની પરિસ્થિતિ બિનાલક્ષ્મીએ જોઈ. હિંસા સાથે કશીય લેવા-દેવા ન હોય તેવા સામાન્ય લોકો સતત ભયના ઓથાર હેઠળ જીવતા હતા. વિરોધી જાતિની વ્યક્તિ ક્યારે એના પર હુમલો કરશે કે એની હત્યા કરી નાખશે એનો ફફડાટ એમના મનમાં રહેતો હતો. એમાં પણ મહિલાઓ અને બાળકો તો સતત ડર અને અસુરક્ષાનો શ્વાસ લેતા હતા. બાળપણનાં અનુભવોએ બિનાલક્ષ્મી પર ગાઢ અસર કરી અને એને સમજાયું કે આ હિંસાનો ભોગ સૌથી વધુ સામાન્ય નાગરિકો જ બને છે અને આથી આવા સામાન્ય નાગરિકો માટે એણે જીવન સમર્પિત ક૨વાનો વિચાર કર્યો.

ભારતના આ ઉત્તર-પૂર્વના સશસ્ત્ર સંઘર્ષ દરમિયાન હજારો કુટુંબો ખેદાનમેદાન થઈ ગયા હતા. કેટલીય મહિલાઓ વિધવા બની ગઈ હતી અને કેટલીય મહિલાઓને એમનો પતિ ક્યાં છે, કઈ હાલતમાં છે, એ જીવે છે કે નહીં – એની કશી ખબર નહોતી. આ સશસ્ત્ર હિંસામાં ઉછરેલાં બાળકોનાં મનના ભીતરમાં બદલાની ભાવના સતત સળગતી રહેતી અને ભૂખ, ભય અને હિંસાને કારણે એ બાળકો પણ હિંસક માનસ ધરાવતા બની જતા હતા.

વળી, નાનાં હથિયારો મળતાં એ એમની વેરતૃષા છીપવતા હતા. બિનાલક્ષ્મીએ દિલ્હી યુનિવર્સિટીમાંથી ઇતિહાસના વિષયમાં અનુસ્નાતકની પદવી મેળવી અને જવાહરલાલ યુનિવર્સિટીમાંથી એમ.ફિલ.ની પદવી મેળવી. ૨૦૦૪ની ૨૪મી ડિસેમ્બરે બિનાલક્ષ્મી નેપ્રામે સમાચાર સાંભળ્યા કે ૨૭ વર્ષના બુદ્ધિમોઈ રંગથમ નામના છોકરાને ત્રણ બંદૂકધારીઓએ ક્રૂરતાપૂર્વક વીંધી નાખ્યો. એ સમયે ૨૪ વર્ષની વય ધરાવતી એની પત્ની રીબેકા અખહામને આજે પણ ખબર નથી કે એ હત્યારા કોણ હતા અને શા માટે એણે એના પતિની હત્યા કરી! આ ઘટનાને પરિણામે બિનાલક્ષ્મીએ ‘મણિપુર વુમન ગન સર્વાઈવર નેટવર્ક’ની સ્થાપના કરી. ૨૦૦૪માં આ સામાજિક સંગઠનની શરૂઆત કરી અને ૨૦૦૭થી ગોળીબારમાં માર્યા ગયેલા પુરુષોની હજારો મહિલાઓને માટે એણે કામ શરૂ કર્યું.

બિનાલક્ષ્મીએ જોયું કે મણિપુર રાજ્યમાં થતી હિંસાના સમાચારો દેશનાં અખબારો અને ટેલિવિઝન પર અવારનવાર આવે છે, પરંતુ એમાં માત્ર થયેલી હિંસા કે બનેલી લોહિયાળ ઘટનાની જ વાત હોય છે. કેટલાની હત્યા થઈ એના આંકડા જ હોય છે, પરંતુ આ હિંસાની ઘટનામાં પતિ કે પુત્ર ગુમાવનાર પીડિત મહિલાઓની વેદના ક્યાંય પ્રગટ થતી નથી. પરિણામે એણે મહિલાઓને સંગઠિત કરવાનું શરૂ કર્યું અને સૌથી વધુ તો એમને આર્થિક અને સામાજિક રીતે સશક્ત બનાવવાના પ્રયાસો હાથ ધર્યા.

એની સંસ્થાએ સશસ્ત્ર હિંસા કે ગોળીબારમાં પોતાના પરિવાર ગુમાવનાર મહિલાઓને સહાય કરવાની શરૂઆત કરી, પણ એની સામે કોઈ એક પ્રશ્ન નહોતો. એણે એક સાથે અનેક પ્રશ્નોનો સામનો કરવો પડે એવી પરિસ્થિતિ હતી.

એક તો એમને હિંસાની હોળી સતત સળગતી હોય એવા સંઘર્ષગ્રસ્ત વિસ્તારમાં કામ કરવાનું હતું. આ સમયે વિરોધી સમુદાય તરફથી અનેક ધમકીઓ મળતી હતી અને સૌથી વધુ તો હિંસાથી પ્રભાવિત વિસ્તારોમાં, બેહાલ બનેલા કુટુંબોમાં જીવવાનો વિશ્વાસ સ્થાપિત કરવાનું પડકારભર્યું કામ એમની સામે હતું. વળી એની પાસે બહુ મર્યાદિત સંસાધનો હતાં અને એની વચ્ચે હજારો પરિવારો સુધી સ્નેહ, સંવેદના, સહાય અને સાથ પહોંચવાનો પડકાર હતો. પણ બિનાલક્ષ્મીએ પોતાનું કામ ચાલુ રાખ્યું. પીડિત મહિલાઓનો એ અવાજ બની, માથે મોતનો ભય હોવા છતાં પીડિત પરિવારો વચ્ચે જઈને એમની વેદના જાણી અને ધીરે ધીરે આવા પીડિત લોકો માટેનો અવાજ બુલંદ કર્યો.

મણિપુરની મહિલાઓ માટે બિનાલક્ષ્મી ભણેલી-ગણેલી મહિલા નથી, કુશળ કાર્યકર નથી, પરંતુ ચોતરફ ઘેરી વળેલા હિંસાના અંધકાર વચ્ચે જીવન જીવવાની આશાનો દીપક છે. કેટલીય સ્ત્રીઓએ પતિ કે પુત્રો ગુમાવ્યા, માથે ભય અને પેટે ભૂખથી ઘેરાઈ ગઈ. આવે સમયે બિનાલક્ષ્મી નેપ્રામ એમની પાસે ગઈ, એમને સહાનુભૂતિ આપી, પણ માત્ર સહાનુભૂતિ આપીને અટકી નહીં, બલ્કે એમનામાં સ્વાભિમાન જગાડયું અને ફરી કમાણી કરીને જિંદગીમાં ટટ્ટાર ઊભા રહેવાનો માર્ગ બનાવી આપ્યો.

આમ એની સંસ્થા સશસ્ત્ર હિંસા અને ગોળીબારથી પ્રભાવિત મહિલાઓને સહાય કરવા માટે રચાયેલી ‘મણિપુર વિમેન ગન સર્વાઈવલ નેટવર્ક’ એક અનોખી સંસ્થા બની રહી. જે અસંખ્ય વિધવા મહિલાઓનો આધાર બની. વળી બિનાલક્ષ્મીએ જોયું કે હિંસાનો શિકાર બનેલી મહિલાઓ આર્થિક બેહાલીનો ભોગ તો બની છે, પરંતુ એથીય વિશેષ એને સામાજિક એકલતા અને માનસિક આઘાત વચ્ચે જીવવું પડે છે.

બીજી બાજુ ચોપાસના હિંસક વાતાવરણમાં અસુરક્ષાનો અનુભવ કરે છે અને એથી એણે આ સંસ્થા દ્વારા એ ભાંગેલાં હૈયા અને તૂટેલી હિંમતવાળી સ્ત્રીઓને સ્વાભિમાનપૂર્વક જીવવામાં મદદ કરવાનો નિશ્ચય કર્યો. સહાનુભૂતિના વચનોની સાથે એમને આર્થિક સહાય અને માઇક્રો લોન આપી. કારણ એટલું કે આ માત્ર દુઃખી મહિલાઓને દાન આપનારી સંસ્થા નથી, બલ્કે એ મહિલાઓને સ્વાવલંબી બનાવનારી સંસ્થા છે. કોઈ મહિલાનો પતિ ગોળીબારમાં મૃત્યુ પામ્યો હોય તે તેને નાની દુકાન શરૂ ક૨વા માટે મૂડી આપવામાં આવે છે. કોઈ મહિલાને સીવણકામ, પશુપાલન કે અન્ય વ્યવસાય આવડતો હોય તો તેને સાધનોની સાથોસાથ જરૂરી તાલીમ પણ આપવામાં આવે છે અને એનાં બાળકોનાં શિક્ષણ માટે સગવડ કરી આપવામાં આવે છે.

આમ એણે સાવ વેરાન બની ગયેલા પરિવારોને નંદનવનમાં ફેરવી નાખ્યા. જરૂર પડે આ મહિલાઓને કાનૂની સહાય આપી તો સાથોસાથ માનસિક અને સામાજિક સહારો આપ્યો. એમને માટે શિક્ષણની તકો ઊભી કરીને કૌશલ્યના વિકાસ માટે દિશાઓ ખોલી આપી. એણે જોયું કે સ૨ળતાથી હથિયારો મળતા હિંસા અને અસુરક્ષા વધી જાય છે. આને પરિણામે એણે આંતરરાષ્ટ્રીય સ્તરે નાનાં હથિયારો અને ગેરકાયદેસર શસ્ત્ર વ્યાપાર સામે અભિયાન ચલાવ્યું.

આમ પોતાની ધરતી પરનાં લોહીનાં ડાઘ લુછનારી બિનાલક્ષ્મી હિંસક બની રહેલી દુનિયાની આંખોનાં આંસુ લૂછી રહી છે. વિશ્વભરમાં શાંતિ, માનવ અધિકાર અને મહિલા સશક્તિકરણની વાત પહોંચાડી રહી છે અને વિશ્વભરના સંઘર્ષગ્રસ્ત વિસ્તારોમાં મહિલાની ભૂમિકા અંગે પ્રેરણાદાયી વક્તવ્યો આપે છે. આમ બિનાલક્ષ્મીએ આજે સમુદાયો વચ્ચેની સશસ્ત્ર હિંસાની સામે મણિપુરની હજારો મહિલા માટે આશા, સ્વાભિમાન અને પુનર્જીવનનું પ્રતીક બની રહ્યા છે.

પ્રસંગકથા

ઉગ્રવાદી સંગઠનો સામે લાલ આંખ કરો

શહેરની પોલીસ ત્રાહિમામ્ પોકારી ગઈ હતી. ઘણી મહેનત કરવા છતાં રીઢો ગુનેગાર રાકેશ ઝડપાતો નહોતો. એવામાં પોલીસને માહિતી મળી કે આ ગુનેગાર એક થિયેટરમાં ફિલ્મ જોવા માટે આવવાનો છે, આથી પોલીસના ઉપરી અધિકારીએ અન્ય પોલીસોને હુકમ કર્યો.

‘થિયેટરમાંથી બહાર નીકળવાના તમામ રસ્તા પર તમે સાવધ થઈને ઊભા રહેજો. એ રસ્તેથી બહાર નીકળતી એકેએક વ્યક્તિને બરાબર તપાસજો. એનું પણ ધ્યાન રાખજો કે કોઈ જુદા પહેરવેશમાં કે મૂંછ લગાડીને રાકેશ આવ્યો ન હોય. બરાબર સતર્ક રહેજો.’

જમાદાર જોરાવરે કહ્યું, ‘સાહેબ, તમે ફિકર છોડી દો. એના બહાર નીકળવાના માર્ગો પર એક ચકલું પણ છુપાઈને નીકળતું હશે, તો અમે એને પકડી લઈશું. આપ બેફિકર રહેજો.’

ઉપરી અધિકારીએ કહ્યું, ‘શાબાશ, હવે આ પાંજરામાં ફસાયેલું રીંછ પકડાયું જ સમજો. એનો એકેય દાવ ચાલશે નહીં.’

રીઢો ગુનેગાર રાકેશ થિયેટરમાં આવ્યો. ફિલ્મ જોઈ અને નિરાંતે ભાગી છૂટયો.

આ માહિતી મળ્યા પછી અકળાયેલા ઉપરી અધિકારીએ જોરાવરને બોલાવીને કહ્યું, ‘તમને આટલી બધી પોલીસ આપી હતી અને છતાં તમે એ ગુનેગારને પકડી શક્યા નહીં. તમે કેમ મારા આદેશનું પાલન કર્યું નહીં?’

જોરાવરે કહ્યું, ”સાહેબ, અમે તમારા આદેશનું બરાબર પાલન કર્યું. થિયેટરમાંથી બહાર નિકળવાના ‘એક્ઝિટ’ લખેલા રસ્તા પર બરાબર ચોકી રાખીને ઊભા હતા, પરંતુ એ પ્રવેશ (એન્ટ્રી)ના દરવાજેથી ભાગી ગયો. એમાં અમે શું કરીએ?’

કુમારપાળ દેસાઈ

19 નવેમ્બર 2026 (ઈંટ અને ઇમારત)

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑