આ જે સર્વત્ર સત્સંગનો મહિમા દ્રષ્ટિગોચર થાય છે. ઉપદેશકોના ઉપદેશનું પ્રત્યક્ષ રૂપે અને ટેલીવિઝન મારફતે પણ શ્રવણ ક૨વામાં આવે છે. સમર્થ સંતોની કથાઓમાં વિશાળ માનવમહેરામણ ઉમટે છે. વિચારકોની સભામાં ઘણા બુદ્ધિશાળીઓ ઉપસ્થિત થાય છે, પરંતુ પહેલો પ્રશ્ન એ છે કે શ્રવણ માટે આપણે યોગ્ય સજ્જતા કેળવી છે ખરી ? યોગ્ય સજ્જતા વિના શ્રવણ નિ૨ર્થક છે અને ક્યારેક તો માત્ર સમય વેડફી દેવા જેવી બાબત છે.
શ્રવણ માટેની સજ્જતા કેળવવાનું પહેલું પગથિયું તે શ્રવણ કરતી વખતે આપણા આગ્રહો, અસહિષ્ણુતા અને પૂર્વગ્રહો બાજુએ રાખવા તે છે. સંત કે વિચારકના વિચારો સાંભળતા હોઈએ, ત્યારે પહેલાં એને યથાર્થરૂપે ગ્રહણ કરવા પ્રયાસ કરવો જોઈએ. એ એક વિચાર મૂકે અને તમે જો એ વિચાર સાથે અસંમત હો, તો તરત જ એ વિચારને પૂર્ણરૂપે સમજ્યા વિના તમે તમારી અસંમતિ વ્યક્ત કરશો અને એને પરિણામે વક્તાનો વિચાર પૂર્ણતયા ગ્રહણ કરી શકશો નહીં.
સૌ પ્રથમ તો શાંતિપૂર્વક શ્રવણ કરવુ જોઈએ. આપણે અંગત માન્યતાઓને આડે આવવા દેવી જોઈએ નહીં. આનો અર્થ જ એ કે જ્યારે શ્રવણ કરો, ત્યારે માત્ર એક જ ધ્યાને એ વિચારને ગ્રહણ કરો. એ વિચારોને સ્વીકારવા કે ન સ્વીકારવા, એની ઝંઝટમાં તત્કાળ પડવું નહીં, કારણ કે જો એના સ્વીકાર કે અસ્વીકારના વિચારમા પડશો, તો એ પછીના વિચારો ચૂકી જશો. ક્યારેક વક્તા પ્રારંભે પોતાના વિચારની માંડણી કરતો હોય છે અને ધીરે ધીરે એ સમગ્ર વિચારને જેમ કમળ ખીલે, તેમ ખીલવીને, ખોલીને પ્રગટ કરતો હોય છે. આથી એ વિચારોના શ્રવણ દરમિયાન સૌથી મોટી બાબત સહિષ્ણુતા છે. પૂર્ણ સહિષ્ણુતા સાથે એ વિચારોનું પાન કરવું જોઈએ.
મોટે ભાગે એવું બને છે કે આપણને ગમતો વિચાર મળે કે આપણે તરત જ એને સ્વીકારીને આગળ સાંભળીએ છીએ, પરંતુ વક્તા કોઈ વિચારને આઘાતજનક રીતે પ્રગટ કરે, તો પહેલાં આપણે એનો વિરોધ કરીએ છીએ. વક્તાએ જેટલો વધુ મોટો પ્રહાર કર્યો હશે, એટલો મોટો વિરોધ શ્રોતાઓ કરશે. મહાત્મા ગાંધીજી કે આચાર્ય રજનીશજીના વિચારો સાથે જેઓ સહમત નહોતા, એમણે એમનો પ્રબળ વિરોધ કર્યો. ઘણીવાર આવો વિરોધ દાખવવામાં ઉતાવળ થઈ જતી હોય છે.
એનું કારણ એ છે કે આપણે એ વિચારોના શ્રવણની સાથોસાથ એનું પરીક્ષણ કરવા લાગીએ છીએ. એની યોગ્યાયોગ્યતાનો નિર્ણય કરવા બેસી જઈએ છીએ અને પછી આખું પ્રવચન પૂરું થયા બાદ પેલા એક અણગમતા વિચારને આગળ ધરીને વક્તા ઉદંડ હોવાની કે વ્યાખ્યાન દમ વિનાનું હોવાની જાહે૨ ઘોષણા કરી દઈએ છીએ. આથી મહત્ત્વની બાબત એ છે કે જ્યારે તમે કોઈ ઉપદેશ કે વિચારનું શ્રવણ કરતા હો, ત્યારે તમારી પાસે ગ્રહણની એક ભૂમિકા હોવી જોઈએ. જો એ વિચારોથી અકળાઈ જશો તો બાકીના વિચારોને પામી શક્યો નહીં ને મનમાં એક પ્રકારની વ્યગ્રતાનો અનુભવ કરશો. વ્યાખ્યાનના શ્રવણ છતાં એના આનંદની કોઈ અનુભૂતિ નહીં થાય, આથી જ્યારે શ્રવણ કરો ત્યારે શાંત ચિત્તે એકે-એક વાતને સાંભળતા રહેવી જોઈએ અને એ સમયે નીરક્ષીરવિવેકની માથાકૂટમાં પડવું જોઈએ નહીં.
શ્રવણ ક૨વાની સજ્જતા કેળવવા માટે એનાં સાત પગથિયાં છે. સૌથી પહેલું પગથિયું એ છે કે કોઈપણ વ્યાખ્યાન, પ્રવચન કે ઉપદેશનું શ્રવણ કરો, ત્યારે સરળ ચિત્તે શ્રવણ કરવું જોઈએ. માથે પાંડિત્યનો બોજ લઈને જો વ્યાખ્યાન સાંભળવા બેઠા, તો એ પાંડિત્ય જ અવરોધરૂપ બની રહેશે. આપણા પોતાના વિચારોને થોડો સમય બહાર મૂકીને શ્રોતાની વાત સાંભળવી જોઈએ.
બીજું પગથિયું તે દોષરહિત બનીને સાંભળવાનું છે. આપણામાં કોઈ દોષ કે વ્યસન હોય અને વક્તા જો એની ટીકા કરે, તો ઉશ્કેરાઈ જવાનું ન હોય. પ્રવચન દરમિયાન કોઈ તમાકુનુ વ્યસન ધરાવનારાઓ વિશે કડક શબ્દોમાં કહે કે તમે ઠંડા મોતને રોજે રોજ નિમંત્રણ આપો છો, ત્યારે એ વાત કદાચ તમાકુ સેવન કરનારને પસંદ પડે નહીં. કોઈ એમ કહે કે તમે ગરીબોનું શોષણ કરીને અઢળક નાણાં મેળવો છો અને તેનો ઉપયોગ ધાર્મિક કાર્યોમાં કરીને મહાન ધાર્મિક હોવાનો ડોળ કરો છો તે બરાબર નથી. આ સમયે શ્રોતામાં વ્યસની કે આવો દંભી હોય, તો એને આ વાત નહીં ગમે. વ્યક્તિ પોતાના દોષ પોતાની નજર સામે જોઈ કે સાંભળી શક્તો નથી. કોઈ સંતનું વ્યાખ્યાન સાંભળતી વખતે ચિત્ત એવું હોવું જોઈએ, કે જે પોતાની ભૂલોના શ્રવણથી અકળાઈ ઊઠે નહીં.
ત્રીજુ મહત્ત્વનું પગથિયું એ છે કે શ્રવણ કરતી વખતે બાહ્ય અને આંતરિક મૌન ધારણ કરવું જોઈએ. આંતરિક મૌન એટલે પોતાના ભીતરનો કોલાહલ ભૂલીને કે બીજી કોઈ વાત આડે આવે નહીં તે રીતે સાંભળવું જોઈએ. બાહ્ય મૌન એટલે ઘણીવાર શ્રોતાઓ વક્તવ્ય સાંભળતી વખતે વચ્ચે વચ્ચે ટીકા-ટિપ્પણ કરતા હોય છે. આને પરિણામે એ વ્યક્તિ યથાર્થ શ્રવણ કરી શક્તી નથી, પરંતુ બીજી વ્યક્તિને પણ એની આવી ટીકા- ટીપ્પણને કારણે યથાર્થ શ્રવણથી વંચિત રાખે છે.
આનું ચોથું પગથિયું એ છે કે શ્રવણ કરતી વખતે વ્યક્તિએ પોતાના વિચારો, માન્યતાઓ, પક્ષો વગેરેને બાજુએ રાખવા જોઈએ. ન્યાયાધીશ જેવી નિષ્પક્ષતાથી અદાલતની કાર્યવાહી કરે છે, એવો નિષ્પક્ષ ભાવ શ્રોતામાં હોવો જોઈએ. જો તમે સામ્યવાદી વિચારધારામાં માનતા હશો અને કથાશ્રવણ વખતે એ વિચારધારાને મનમાં આગળ રાખીને શ્રવણ કરતા હશો, તો રામ રાજા હતા કે મહાવીર રાજકુમાર હતા કે કૃષ્ણ યાદવકુળના નેતા હતા, એ વાત સાંભળતાં તમને એમ લાગશે કે એ બધા ગરીબ કે સામાન્ય કુળમાં જન્મ્યા હોત તો વધુ સારું થાત ! અહીં તમારી વિચારધારા શ્રવણમાં ખલેલ પહોંચાડે છે, આથી સાંભળતી વખતે તો નિષ્પક્ષ બનીને જ સાંભળવાનું હોય.
પાંચમું સોપાન છે સહિષ્ણુતા, સહિષ્ણુતા એ સાચા શ્રોતાનો ઉમદા ગુણ છે. કેટલાક લોકો વક્તા એકાદ-બે મિનિટ વધુ સમય લે, તો અકળાઈ જાય છે. ઘણીવાર વક્તાને પોતાની વાતને પૂર્ણરૂપે પ્રગટ કરવા માટે થોડી સમયમર્યાદા ઓળંગવી પડે છે. જો એ પંદર મિનિટને બદલે પચાસ મિનિટ લે, તો તે સહેજે યોગ્ય ન કહેવાય, પરંતુ પંદર મિનિટથી એક-બે મિનિટ વધી જાય, ત્યારે શ્રોતાએ અસહિષ્ણુ બનવાની જરૂર નથી. એનામાં એક પ્રકારની ધીરજ હોવી જોઈએ.
વિરોધી મતો કે મંતવ્યો સાંભળવાની સહિષ્ણુતા હોવી જોઈએ. છઠ્ઠું પગથિયું એ છે એકાગ્રતાથી શ્રવણ કરવું. શ્રવણ કરતી વખતે વ્યક્તિના ચિત્તમાં બહારના ઘણા વિચારો ધસી આવતા હોય છે. કેટલાક તો માત્ર કથાશ્રવણ કરવા બેઠા હોય છે, પરંતુ એમનું મન તો પોતાના સંસારની વ્યથાઓના વિચા૨માં ડૂબેલું હોય છે. એમની માત્ર શારીરિક હાજરી હોય છે. મનથી તો એ ક્યાંય બીજે ભમતા હોય છે. આવો શ્રોતા વચ્ચે વચ્ચે થોડીક ક્ષણો એ વ્યાખ્યાનના એક-બે વિચારો સાંભળે છે પરંતુ એને મનમાં ઉતારી શક્તા નથી. કારણ કે એનું મન તો બીજા વિચારોમાં એટલું બધું ગૂંથાયેલું હોય છે કે ત્યાં વક્તાના વિચારોને પ્રવેશ મળતો નથી. ઘણીવાર તો વ્યાખ્યાનમાં કે પ્રવચનમાં વ્યક્તિ પોતાનો સમગ્ર ઘરસંસાર લઈને આવતી હોય છે. વ્યાખ્યાન સાંભળતા એ ઘડિયાળ તરફ જુએ છે અને વિચારે છે કે દસ વાગી ગયા છે. હવે ચિંટુ નિશાળે જવાની તૈયારી કરતી હશે. એની મમ્મી એને લંચ-બોક્સ આપવાનું ભૂલી ન જાય તો સારું. વળી વિચારશે કે વીસેક દિવસ પહેલાં આ રીતે ચિંટુને લંચબોક્સ આપવાનું ભૂલાઈ ગયું હતું, એને પરિણાણે એ ઘેર આવીને કેટલું બધું રડયો હતો ! આ રીતે વ્યાખ્યાનમાં વિચાર-ત્યાગની વાત ચાલતી હોય અને વ્યક્તિ પોતે બહારથી અઢળક વિચારો લઈને વ્યાખ્યાન સાંભળવા બેઠો હોય તેવું પણ બનતું હોય છે. આથી એકાગ્રતા એ સૌથી જરૂરી છે.
આ છ પગથિયાં પછી સાતમું પગથિયું સૌથી મહત્ત્વનું છે અને તે સાતમું પગથિયું છે કે જે કંઈ સાંભળતા હોઈએ, તેમાં રસ-રુચિ હોવાં જોઈએ. ઘણીવાર સ્કૂલ અને કોલેજમાં આવેલા અતિથિને સાંભળવા માટે ઓછી સંખ્યા હોય, ત્યારે શિક્ષક કે અધ્યાપક એના વર્ગના વિદ્યાર્થીઓને ફરજિયાતપણે આવા પ્રવચનમાં બેસાડે છે. વિદ્યાર્થીઓ આવી ‘સજા’નો સ્વીકાર કરતા હોય છે, પરંતુ એમને વ્યાખ્યાનમાં સહેજે રસ અને રુચિ હોતાં નથી. આથી ધીરે ધીરે ચણભણાટ શરૂ થશે. એક વિદ્યાર્થી વ્યાખ્યાન ચાલુ હોય, ત્યારે ઊભો થઈ બહાર નીકળી જશે. થોડાંક બીજા વિદ્યાર્થીઓ એને અનુસરશે રુચિ વિનાનું વ્યાખ્યાન એમને માટે વ્યર્થ સાબિત થશે.
સત્સંગમા રુચિ જાગે, તો જ એ વ્યાખ્યાનને માણી શકાય. ઘણી વાર દેખાદેખીને કારણે વ્યક્તિ સત્સંગમાં આવતી હોય છે. પડોશમા રહેતી સ્ત્રી કથા સાંભળવા જતી હોય અને પોતે ન જાય, તો દુનિયાની નજરે એ ધાર્મિક નહીં ગણાય એવા ડરથી વ્યાખ્યાન સાંભળવા જતી હોય છે. આવી વ્યક્તિ વ્યાખ્યાનમાં બેસે છે, પણ પથ્થર ઉપર પાણી ! એનું ચિત્ત શ્રોતાની વાતને ગ્રહણ કરવા તૈયાર જ નથી, તો પછી એ બીજા વિચારોમાં ડૂબી જશે અને કથા કે વ્યાખ્યાન જેવા પૂરા થયા કે તરત જ એના કોઈ ધાર્મિક મુદ્દાની વાત કરવાને બદલે ‘આજે તો ઘણું મોડું થઈ ગયું’ ‘૨મણલાલ આખરી શ્વાસ લઈ રહ્યાં છે. એમને કંઈ થયું ન હોય તો સારું’, ‘આ ગરમીથી તો તોબા. વરસાદ ક્યારે આવશે ?’ આમ કથા પૂરી થતાં એની વિકથા શરૂ થઈ જશે. આનું કારણ એ છે કે એનું મન તો વિકથામાં જ હતું. કથા સાંભળવા તો માત્ર એનું શરીર જ બેઠું હતું. તમને આવો અનુભવ થાય છે ખરો ?
કુમારપાળ દેસાઈ
26-7-2026 જાણ્યું છતાં અજાણ્યું